↵જામનગરમાં ભગવાન મહાવીર જન્મનું વાંચન, માતા ત્રિશલાના ૧૪ દિવ્ય સપનાનું પૂજન કરાયું
જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં આજે ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માતા ત્રિશલાના ૧૪ દિવ્ય સપનાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ અલૌકીક ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવીકાઓ ભાવભેર જોડાયા હતાં. જામનગરમાં જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. પર્યુષણ જપ-તપ અને કરેલા કર્મોને ખમાવવાનું અને આત્મચિંતન કરવાનું પર્વ હોય જૈન સમાજના લોકો દ્વારા અઠાઇ, માસક્ષમણ સહીતની ઉગ્ર તપશ્ર્ચર્યાઓ ચાલી રહી છે. આટલું જ નહીં જિનાલયોમાં ભગવાનને અદભૂત આંગી કરવામાં આવી રહી છે. ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ, વ્યાખ્યાન સહીતના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. પર્યુષણ પર્વના પાંચમા દીવસે આજરોજ મહાવીર જંયતિની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના શેઠજી દહેરાસર, પેલેસે જિનાલય, જયોતિ વિનોદ ઉપાશ્રય સહીતના દહેરાસર અને ઉપાશ્રયોમાં મહાવીર જન્મકલ્યાણકનું વાંચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતા ત્રીશાલા દેવીને આવેલા ૧૪ દિવ્ય સપનાનું પૂજન અને વર્ણન કરાયું હતું. ત્યારબાદ જૈનાચાર્યો દ્વારા મહાવીર જન્મકલ્યાણકનું વાંચન કરાયું હતું. આ આલૌકીક ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવીકાઓ ભાવભેર જોડાયા હતાં. શ્રાવણ સુદ બારસ એટલે કે તા.૮ સપ્ટેબરથી શ થયેલા પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતી ભાદરવા સુદ ચોથ એટલે કે તા.૧૫ના મંગળવારે સંવત્સરીના થશે.