શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વોર્ડ નં.૨ માં વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું લોકાર્પણ કર્યું
રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ લાઇબ્રેરી થકી વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ માટે સુવિધાસભર વાતાવરણ મળશે
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરના વોર્ડ નં.૨ ના મચ્છરનગર વિસ્તારમાં રૂ.૩૦ લાખના ખર્ચે તૈયાર થયેલ વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી કમ રીડિંગ રૂમની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રૂચિ કેળવાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં અભ્યાસ કરતા યુવાનોને શાંત અને અનુકૂળ વાતાવરણ મળી રહે તેમજ નાગરિકોમાં વાંચનવૃત્તિ વધુ સુદૃઢ બને તે હેતુથી લાઇબ્રેરી કમ રીડિંગ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ લાઇબ્રેરીના પ્રારંભથી વોર્ડ નં. ૨ સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો અને વાંચનપ્રેમીઓને એક જ સ્થળે બેસીને અભ્યાસ, વાંચન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરવા માટે સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રકારની સુવિધા ઉપયોગી સાબિત થશે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના વિકાસની સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે લાઇબ્રેરી અને રીડિંગ રૂમ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓ તથા યુવાનોના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ કાર્યક્રમમાં મહંત દેવપ્રસાદજી મહારાજ, સ્વામીનારાયણ મંદિર બેડી ગેઈટના સ્વામી ચત્રભુજ દાસજી મહારાજ, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી શા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, કોર્પોરેટરઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.