BREAKING NEWS

અમદાવાદમાં બંદૂકની અણીએ વેપારી પાસેથી રૂ.11 લાખ લૂંટવાનો પ્રયાસ, ભાગવા જતા બે લૂંટારુ પકડાયા, વેપારીની હિંમતને દાદ દેવી પડે તેવું કામ કર્યું

  • September 25, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક આવેલા આકાર કોમ્પ્લેક્ષમાં ગઈકાલે સાંજે લૂંટનો એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ ખાતે રહેતા ૩૮ વર્ષીય અંકિત ગજ્જર નારોલમાં આવેલી પોતાની આંગડિયા પેઢીની કેબિનમાં એકલા હાજર હતા અને તે સમયે ટેબલના ખાનામાં ૧૧ લાખ રૂપિયાની રોકડ રકમ પડેલી હતી. આ દરમિયાન અચાનક બે લૂંટારુઓ કેબિનમાં ઘૂસી આવ્યા હતા અને અંકિત ગજ્જર પર દેશી તમંચો તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાણાંની માગણી કરી હતી.

પોતાના જીવનું જોખમ હોવા છતાં આંગડિયા પેઢીના માલિક અંકિત ગજ્જરે જરાય ડર્યા વગર હિંમત દાખવી હતી. તેમણે તુર્ત જ બંને હુમલાખોરોના હથિયારવાળા હાથ મજબૂતાઈથી પકડી લીધા હતા. આ સામસામેની ઝપાઝપી દરમિયાન અંકિતને કેટલીક ઈજાઓ પણ પહોંચી હતી, છતાં તેમણે હિંમત હાર્યા વગર મદદ માટે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેમની આ બૂમાબૂમ સાંભળીને આસપાસની ઓફિસોના કર્મચારીઓ અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને લૂંટારાઓને સ્થળ પર જ દબોચી લીધા હતા.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઈસનપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિક લોકોના કબજામાંથી બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા તેમની ઓળખ રાજન ધનંજય શાહ અને અલી અહમદ રૂસ્તમ અલી શેખ (બંને મૂળ રહે. શિવાન, બિહાર અને હાલ રહે. ઈસનપુર) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ત્રણ દેશી તમંચા અને ૧૯ જીવતા કારતૂસ જપ્ત કરીને કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ આરોપીઓ છેલ્લા છ થી આઠ મહિનાથી ઈસનપુરમાં જ રહેતા હતા અને તેમણે ઘટનાના બે દિવસ અગાઉ જ આ આંગડિયા પેઢીની રેકી કરીને લૂંટનું પૂરેપૂરું પ્લાનિંગ કર્યું હતું. આ સમગ્ર કેસમાં પ્રીતમસિંહ નામના અન્ય એક સાગરીતનું નામ પણ બહાર આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર ફરાર છે. પોલીસે તેની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે અને ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application