જુનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજે મતગણતરી યોજાઈ હતી. ખેડૂત પેનલની ૧૦ બેઠકોની મતગણતરીમાં ભાજપે તમામ ૧૦ બેઠકો કબજે કરી માર્કેટિંગ યાર્ડમાં શાસન યથાવત રાખ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં કિરીટ પટેલ જૂથનો દબદબો રહ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે.
સહકારી ક્ષેત્રમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહેલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ગઈકાલે ચૂંટણી માટે મતદાન થયું હતું જેમાં ખેડૂત પેનલની ૧૦ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં ૯૫ ટકા મતદાન થયું હતું. ૯૫૫ મતદારોમાંથી ૯૧૪ મતદારોએ મતદાન કર્યું હતું.૧૦ બેઠકોમાં ભાજપના ૧૦ અને આમ આદમી પાર્ટીના ૭ સહિત ૧૭ ઉમેદવારો મેદાનમાં હતા. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે જીલ્લા રજીસ્ટ્રાર ગોહેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મત ગણતરીમાં ભાજપે માર્કેટિંગ યાર્ડની તમામ બેઠક જાળવી રાખી હતી. જ્યારે આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી યોજાય તે પૂર્વે જ વેપારી બેઠકની ચાર અને સહકારી સંઘની બે સહિત છ બેઠક બિનહરીફ થઈ હતી. ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની સવારે નવ વાગ્યાથી બેલેટ પેપરની મત ગણતરી યોજાઈ હતી. જાહેર થયેલ પરિણામમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ ૧૦ ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના સાતેય ઉમેદવારોને ૧૦૦ થી નીચે મત મળતા કારમો પરાજય થયો હતો. વિજેતા જાહેર થયા બાદ માર્કેટિંગ યાર્ડમાં જય જવાન જય કિસાન અને કિરીટ પટેલ જિંદાબાદ ના નારા ગુંજયા હતા. માર્કેટિંગ યાર્ડ પરિસરમાં જ ફટાકડા ફોડી વિજેતાઓના મો મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના વિજય બાદ કિરીટભાઈ પટેલે બોગસ મંડળીઓ અંગે થઈ રહેલા આક્ષેપો અંગે વિપક્ષને પછડાટ આપી હતી. અને ખેડૂતોએ આપેલ મત જ વિપક્ષને તમાચો હોવાનો રણકાર કર્યો હતો. તેમજ ૪૫ ગામોના ખેડૂતોએ ખોબલે ખોબલે મત આપ્યા તે બદલ ભાજપ અને માર્કેટિંગ યાર્ડ ટીમ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.. તેમજ આગામી માણાવદર, વિસાવદર, માળીયાહાટીના માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિજેતા થશે તો જાહેર જીવન હોવાનું સાબિત થશે તો સહકારી ક્ષેત્ર છોડી દેવાનો લલકાર કરી વિપક્ષને ચેલેન્જ આપી હતી. આગામી દિવસોમાં યાર્ડના ચેરમેન ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી કરવામાં આવશે.
માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલને મળેલા મત
કોટડીયા ઘનશ્યામ હસમુખભાઈ -૮૧૩,
ગજેરા હરેશભાઈ બાબુભાઈ-૮૧૯
ગુંદણીયા જયેશભાઈ ભીખાભાઈ-૮૦૫,
પૂર્વ પ્રમુખ ચોવટીયા કેવલભાઈ અશોકભાઈ-૮૧૪
બોઘરા બાબુભાઈ કરશનભાઈ-૮૦૩
ભાદરકા રાજેશભાઈ લખમણભાઇ-૭૯૭
ભૂત પરેશભાઈ પ્રવીણભાઈ-૭૮૨
સાવલિયા રમણીકભાઈ ચંદુભાઈ-૭૭૪
આમ આદમી પાર્ટી પ્રેરિત પેનલને મળેલ મત
કાછડીયા હરસુખભાઈ રવજીભાઈ-૮૫
દોમડીયા લીલાવંતીબેન રવજીભાઈ-૯૬
રામાણી ધીરજલાલ પોપટભાઈ-૮૦
રામોલીયા બાબુભાઈ કાનજીભાઈ-૮૨
સિદપરા કિરીટભાઈ જમનાદાસ-૭૭
હિરપરા રાકેશભાઈ બાબુલાલ-૭૩