BREAKING NEWS

નબળા કામ બદલ એજન્સીને 16 નોટિસ આપી હતી, ઇજનેરોનું સસ્પેન્શન રદ જ કરો: યુનિયન

  • September 10, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ન્યૂ રિંગ રોડ ઉપર ચાલતા ત્રણ બ્રિજ પ્રોજેક્ટના કામમાં ગંભીર ક્ષતિઓ અને બેદરકારી જણાતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા બે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર્સ યુનિયન આકરા પાણીએ થયું છે અને બન્ને ઇજનેરોનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવા યુનિયને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી. આ તકે આવેદનપત્ર પાઠવતી વેળાએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરતા ઇજનેરોએ જણાવ્યું હતું જે ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે તેમણે સમયાંતરે એજન્સી ને અવાર નવાર કડક તાકિદ કરી જ હતી અને મુખ્ય એજન્સી બેકબોનને ૧૦ તેમજ પીએમસી ડેલ્ફ એજન્સીને ૬ સહિત કુલ ૧૬ ૧૬ નોટિસ ફટકારી હતી ત્યારે આ ઇજનેરોને બેદરકાર કઈ રીતે ગણી શકાય...?

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ગુણવત્તા તથા કાર્યક્ષમતા આવે તેમજ એન્જીનીયરીંગ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓ ઉપરના બિનજરૂરી કાર્યબોજમાં ઘટાડો થાય અને તેમની મૂળ એન્જીનીયરીંગ કામગીરી વધુ અસરકારક રીતે થઈ શકે તે હેતુસર નીચે દર્શાવેલ પ્રશ્નો અંગે અગાઉ રજૂઆત કરવામાં આવેલ છે.

આ બાબતોમાં લાગુ પડતા ગુજરાત સરકારશ્રીના સેવા નિયમો, ઠરાવો/પરિપત્રો, રિકૃટમેન્ટ રૂલ્સ, સર્વિસ રૂલ્સ તથા રાજકોટ મહાનગરપાલિકાના મંજૂર સેવા/ભરતી નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા વિનમ્ર રજૂઆત છે. ખાસ કરીને ફરજ-મોકૂફ કરાયેલા બન્ને ઇજનેરોને નિયમોનુસાર પુનઃ ફરજ પર લેવા બાબત રજૂઆત કરતા આવેદનપત્રમાં ઉમેર્યું છે કે વોર્ડ નં.૯માં ફરજ બજાવતા બે કર્મચારીઓ વી.સી. કારીયા નાયબ કાર્યપાલક ઈજનેર તથા વી.એમ. વાગડિયા-મદદનીશ ઈજનેરને કોઈપણ શો-કોઝ નોટીસ આપ્યા વગર કે શિસ્ત ભંગ નાં કોઈ પગલા લીધા વગર સીધા સસ્પેન્ડ ફરજ મોકૂફ કરેલ છે જે ખરેખર કુદરતી ન્યાયનાં સિદ્ધાંતોની વિરુદ્ધનું પગલું છે.

આપના દ્વારા કરાયેલ ઉપરોક્ત બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવાનો હુકમ હાલ સ્થગિત કરી ફરજ મોકૂફ થયેલ બંને કર્મચારીઓ વિરુદ્ધ બ્રીજનાં કામમાં થયેલ ગેરરીતી માટે તપાસ કમિટીની રચના કરી અને આ કમિટી દ્વારા જે રીપોર્ટ આપવામાં આવે તેના આધારે જો સદર બ્રીજ નાં કામમાં ક્ષતિ જણાય તો જ નિયમાનુસાર કાર્યવાહી કરવા અત્રેથી રજૂઆત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application