BREAKING NEWS

રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં વ્હિપના અનાદરનો વિવાદ: શિસ્તભંગ કરનારા નેતાઓ સામે પ્રદેશ ભાજપમાં ફરિયાદ

  • September 10, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી બાદ સ્થળ પર ભાજપમાં અંદરોઅંદર જૂથબંધી અને શિસ્તભંગનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સંઘની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર વ્હિપનો અનાદર કરનારા અગ્રણી નેતાઓ સામે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને લેખિતમાં વિગતવાર જાણ કરીને વ્હિપ અનાદર કરનારા તમામ નેતાઓનું એક લિસ્ટ મોકલી આપતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં માધાપર જૂથ બેઠક પર પાર્ટી દ્વારા પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજાને સત્તાવાર મેન્ડેડ તેમજ વ્હિપ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પક્ષના કેટલાક જવાબદાર નેતાઓએ આ આદેશની અવગણના કરી હતી. પ્રદેશ પ્રમુખને મોકલાયેલી આ યાદીમાં રાજકોટ ડેરીના ડિરેક્ટર તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રતિનિધિ વિજય સખીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઇસ ચેરમેન વિજય કોરાટ તેમજ વાજડી ગામ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભુપતસિંહ જાડેજા સહિતના અગ્રણી નેતાઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


બીજી તરફ, પક્ષના આદેશ વિરુદ્ધ ચૂંટણી લડીને જીતનારા વિજય સખીયાએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર વહીવટ સહિતના ગંભીર આક્ષેપો લગાવીને નવો ફાટો પાડ્યો છે. વિજય સખીયાએ જિલ્લા પંચાયતના સદસ્યોને અલ્પેશ ઢોલરીયાની કામગીરી અને વહીવટ અંગે પૂછવા જણાવ્યું છે. પક્ષના વ્હિપનો ભંગ અને સામસામે ઊભા થયેલા ગંભીર આક્ષેપોના કારણે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ મોવડીમંડળ દ્વારા આ નેતાઓ સામે કેવા શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે તેના પર સહકારી ક્ષેત્રની નજર મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application