ગુજરાત સરકારે ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને જમીનના એકત્રીકરણને સુનિશ્ચિત કરવા માટે અમલમાં રહેલા કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2026 હેઠળ વર્ષો જૂના જમીન વ્યવહારોને લઈને મોટી રાહત આપતી જોગવાઈ કરવામાં આવી છે.
સુધારેલા કાયદા મુજબ, 29 જાન્યુઆરી, 1948થી લઈને 31 માર્ચ, 2026 સુધી કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને થયેલા કેટલાક જમીન ટ્રાન્સફર, ભાગલા અથવા હસ્તાંતરણ હવે નિયમિત ગણાશે. આવા વ્યવહારોને કાયદેસર માન્યતા આપવા માટે જમીનધારકો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ કે પ્રીમિયમ વસૂલવામાં આવશે નહીં.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, હાલ વિવિધ અધિકારીઓ અથવા સત્તાધિકારીઓ સમક્ષ ચાલી રહેલા કેસો પર પણ આ નવી જોગવાઈ લાગુ પડશે. રિવિઝનલ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ કેસોનો નિકાલ પણ નવા કાયદાના આધારે કરવામાં આવશે, જ્યારે ટ્રાયલ સ્ટેજ પર ચાલી રહેલી કાર્યવાહી આપોઆપ રદ થયેલી (એબેટ) ગણાશે.
આ સુધારાથી લાંબા સમયથી અટવાયેલા જમીનના વિવાદો અને કાયદાકીય પ્રક્રિયાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વારસાગત ભાગલા અથવા જૂના વ્યવહારોને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતા દૂર થશે અને જમીનધારકોને રાહત મળશે.
સરળ ભાષામાં સમજીએ તો, 31 માર્ચ, 2026 સુધી કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ થયેલા ચોક્કસ જમીન વ્યવહારો હવે દંડ કે પ્રીમિયમ ભર્યા વગર નિયમિત થઈ શકશે, જેના કારણે હજારો જમીનધારકોને સીધો લાભ મળવાની સંભાવના છે.