BREAKING NEWS

માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, સતિષ પટેલ ૩૦,૪૯૯ મતની લીડથી વિજયી થયા

  • August 03, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા મુજબ પોતાનો દબદબો જાળવી રાખી વિજય મેળવ્યો છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સતિષ પટેલ ૩૦,૪૯૯ જેટલી માતબર લીડથી વિજેતા બન્યા છે. માંજલપુરની જનતાએ ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ કાકાના વારસા અને વિશ્વાસને અકબંધ રાખીને સતિષ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ૧૯ રાઉન્ડની અંતિમ મતગણતરીના અંતે ભાજપની આ જીતથી કાર્યકરોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


બીજી તરફ, મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને આ ચૂંટણીમાં ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવારને કુલ ૨૪,૫૮૫ મત પ્રાપ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ગત ૩૦ જુલાઈના રોજ માંજલપુર બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ૩૭.૦૫ ટકા જેટલું નીચું મતદાન નોંધાયું હતું. આ નીચા મતદાન બાદ યોજાયેલી ૧૯ રાઉન્ડની તબક્કાવાર મતગણતરીના અંતે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને ભાજપે મોટા તફાવતથી બેઠક પોતાના નામે કરી લીધી છે.


ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપના ઉમેદવાર સતિષ પટેલે માંજલપુરના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભાના મતદારોએ જે રીતે યોગેશ કાકાને વર્ષો સુધી સહકાર આપ્યો હતો, તે જ રીતે તેમણે મારા પર વિશ્વાસ મૂકીને સહકાર આપ્યો છે. જનતાએ મારા પર મૂકેલા આ વિશ્વાસ અને આપેલી જવાબદારીને હું પૂર્ણ નિષ્ઠા સાથે આગળ વધારીશ અને વિસ્તારના વિકાસ કાર્યોને ગતિ આપીશ."

બીજી તરફ, હાર બાદ પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ પોતાની હાર સ્વીકારી હતી પરંતુ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે ચૂંટણીના અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. જેના કારણે કોંગ્રેસના પરંપરાગત મતદારો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળી શક્યા નહોતા. તેમણે ઉમેર્યું કે આ સીધો આચારસંહિતાનો ભંગ છે અને આ વખતે 'ફેર ઇલેક્શન' (નિષ્પક્ષ ચૂંટણી) થયું નથી, જેના પરિણામે તેમની હાર થઈ છે. આમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સતત લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરતા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application