બાંગ્લાદેશના રાજકીય અને ડિપ્લોમેટીક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે બાંગ્લાદેશના વિદેશ બાબતોના રાજ્ય મંત્રી શમા ઓબેદ ઇસ્લામે સોમવારે એક સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશ સરકારને પૂરી આશા છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના, કે જેમણે માનવતા વિરુદ્ધના અપરાધોના મામલે સજા ફટકારવામાં આવી છે, તેમને હાલની દ્વિપક્ષીય પ્રત્યર્પણ સંધિ (Extradition Treaty) હેઠળ ભારત પાસેથી પાછા મેળવવામાં આવશે. આ સાથે જ તેમણે શેખ હસીનાની વાપસી સાથે જોડાયેલી શરતો અને અટકળો અંગે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને સદંતર ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
મીડિયા સાથે વાતચીત કરતાના શમા ઓબેદ ઇસ્લામે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારના અહેવાલોનો કોઈ વાસ્તવિક આધાર નથી. આ નિવેદનો ભારત સરકારના કોઈપણ જવાબદાર સૂત્ર તરફથી આવ્યા નથી. કોઈપણ મીડિયા સંસ્થાન કે અખબાર આવી અટકળો છાપી શકે છે, પરંતુ આવા અહેવાલોનું કોઈ વજન કે વાસ્તવિક અર્થ હોતો નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ભારત સરકારના વિદેશ મંત્રાલય કે અધિકૃત સ્ત્રોત તરફથી કોઈ સત્તાવાર સંદેશ કે વાતચીત સામે આવશે, તો ચોક્કસપણે તેનો સ્વીકાર કરવામાં આવશે અથવા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે.
રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય અમારી પાસે એટલો સમય નથી અને ન તો તેમાં કોઈ રસ છે કે ભારત કે અન્ય કોઈ જગ્યાએ શું છપાઈ રહ્યું છે, કારણ કે તે અમારું મુખ્ય કામ નથી. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો પારસ્પરિક સહયોગ પર આધારિત છે.
બીજી બાજુ, દેશના સ્વતંત્ર સાંસદ રૂમી ફરહાનાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શેખ હસીનાની વાપસી અંગે સરકારના મંત્રીઓ અને વડાપ્રધાનના સલાહકારના નિવેદનોમાં કેટલાક વિરોધાભાસ જોવા મળી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોનું વ્યાપ ઘણું મોટું છે અને તે માત્ર શેખ હસીના પૂરતા મર્યાદિત નથી, પરંતુ બંને દેશોના હિતો સાથે જોડાયેલા છે. આ ઘટનાક્રમથી બંને દેશોના રાજકીય સમીકરણો પર તેની ઊંડી અસરો જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ સત્તાવાર બેઠકો યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.