BREAKING NEWS

જેટલા દિવસ લોનનો ઉપયોગ, તેટલા દિવસનું જ વ્યાજ વસૂલશે બેંક: RBIની નવી માર્ગદર્શિકા

  • August 14, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા નિયમો 1 એપ્રિલ, 2027થી અમલમાં આવવાની શક્યતા: બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનના વ્યાજદર નક્કી કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો હેતુ




મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા લોનના વ્યાજદરને લઈને નવી માર્ગદર્શિકાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2027થી અમલમાં આવવાની શક્યતા છે. તેનો મુખ્ય હેતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોનના વ્યાજદર નક્કી કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આરબીઆઈના પ્રસ્તાવિત ફ્રેમવર્કમાં ફ્લોટિંગ રેટવાળી લોનના વ્યાજદરની સમીક્ષા અને બેન્ચમાર્ક નક્કી કરવાની પ્રક્રિયાને વધુ એકસમાન બનાવવામાં આવી છે.



પ્રસ્તાવિત નિયમો મુજબ બેંકો અને એનબીએફસીને આંતરિક બેન્ચમાર્ક (આઈબીઆર) અથવા બાહ્ય બેન્ચમાર્ક (ઇબીઆર)માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેના આધારે લોનના વ્યાજદર નક્કી કરવા પડશે. સાથે જ લોનની શ્રેણી પ્રમાણે સ્પ્રેડ અને જોખમ આધારિત સ્પ્રેડ નક્કી કરવાની પ્રક્રિયા પણ સ્પષ્ટ કરવાની રહેશે.


આરબીઆઈએ ફ્લોટિંગ રેટવાળી લોન માટે મહત્વપૂર્ણ જોગવાઈ સૂચવી છે. આવા લોનના વ્યાજદરની ઓછામાં ઓછી ત્રણ મહિનામાં એક વખત સમીક્ષા અથવા રીસેટ કરવાની રહેશે. ઉપરાંત બેંકોને દર મહીનાની શરૂઆતમાં પોતાના લાગુ પડતા લોન વ્યાજદરની માહિતી જાહેર કરવાની રહેશે. આથી ગ્રાહકોને તેમની લોનના વ્યાજદરમાં થયેલા ફેરફારની માહિતી સમયસર મળી શકશે.


નવી વ્યવસ્થામાં વ્યાજની ગણતરીને લઈને પણ મહત્વનો પ્રસ્તાવ છે. આરબીઆઈ અનુસાર લોનની બાકી રહેલી રકમને ધ્યાનમાં રાખીને દૈનિક ધોરણે વ્યાજની ગણતરી થવી જોઈએ અને ગ્રાહકે વાસ્તવમાં જેટલા દિવસ સુધી લોનની રકમનો ઉપયોગ કર્યો હોય, તેટલા દિવસનું જ વ્યાજ વસૂલવું જોઈએ. એટલે કે લોનનો ઉપયોગ ઓછા દિવસ માટે થયો હોય તો વ્યાજ પણ તે પ્રમાણે ગણાશે.


માઇક્રોફાઇનાન્સ અને નાના મૂલ્યની લોનના ગ્રાહકો માટે પણ નિયમોમાં ફેરફાર સૂચવાયો છે. આવી લોનમાં વ્યાજ ઉપરાંત વસૂલવામાં આવતી વિવિધ ફી અને ચાર્જ અંગે પણ પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


આરબીઆઈના પ્રસ્તાવમાં બેંકો દ્વારા સ્પ્રેડમાં મનસ્વી વધારો ન થાય તે માટે પણ નિયંત્રણની વાત કરવામાં આવી છે. સામાન્ય સ્થિતિમાં ક્રેડિટ રિસ્ક પ્રોફાઇલમાં ફેરફાર સિવાય ગ્રાહકના લોનના સ્પ્રેડમાં ફેરફાર ન કરી શકાય તેવી જોગવાઈ સૂચવાઈ છે.


આ ઉપરાંત લોનનું બેન્ચમાર્ક બદલાય અથવા જૂનું બેન્ચમાર્ક બંધ થઈ જાય તો ગ્રાહકની સંમતિ અને યોગ્ય પ્રક્રિયા જરૂરી બનાવવાનો પ્રસ્તાવ છે. આરબીઆઈની આ પહેલથી લોનધારકોને વ્યાજદર અંગે વધુ સ્પષ્ટતા મળશે અને અચાનક થતા વ્યાજદરના ફેરફારથી રાહત મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application