BREAKING NEWS

સાવધાન! દૂષિત ખોરાકથી દુનિયામાં દર વર્ષે 15 લાખ લોકો ગુમાવે છે જીવ: ડબલ્યુએચઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

  • June 06, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આપણે જે ખોરાક શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાઈએ છીએ, તે જ ખોરાક જો અસુરક્ષિત કે દૂષિત હોય તો જીવલેણ સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દૂષિત અને ખરાબ ખોરાક ખાવાના કારણે દર વર્ષે વિશ્વભરમાં 86 કરોડથી વધુ લોકો બીમારીનો ભોગ બને છે અને તેમાંથી આશરે 15 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ અહેવાલમાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પુખ્ત વયના લોકોની સરખામણીએ નાના બાળકોમાં દૂષિત ખોરાકથી બીમાર પડવાનું જોખમ ત્રણ ગણું વધારે હોય છે.
ફૂડ પોઇઝનિંગના અસલી ગુનેગાર:- બેક્ટેરિયા, વાયરસ અને કેમિકલ
ડબલ્યુએચઓના મહાનિર્દેશક ડોક્ટર ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી (ખોરાકની સુરક્ષા) એ કોઈ નાનો વિષય નથી, કારણ કે તે દરેક પરિવારના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. ખોરાકમાં કેમિકલની ભેળસેળ, હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઇટિક ઇન્ફેક્શન  લોકોને ગંભીર રીતે બીમાર પાડે છે. ઘણીવાર બજારની ખામીઓની સાથે આપણી નાની-નાની રોજિંદી ભૂલો પણ ખોરાકને ઝેરી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.રોજિંદી આ ૫ ભૂલો જે તમારા રસોડાને બનાવી શકે છે
 


બીમારીનું ઘર
આપણે અજાણતા જ રસોઈ બનાવતી વખતે કે જમતી વખતે એવી ભૂલો કરીએ છીએ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે


બહારના ખોરાકની આદત 
આજકાલ હોટેલ કે લારી-ગલ્લા પર ખાવાનું ચલણ ખૂબ વધી ગયું છે. બહારના ખોરાકમાં માત્ર કલર, પ્રિઝર્વેટિવ્સ, હાઈ ફેટ અને મીઠાનું પ્રમાણ જ વધારે નથી હોતું, પરંતુ ત્યાં વપરાતું પાણી દૂષિત હોવાના કારણે અને હાઈજીન (સ્વચ્છતા) ના અભાવે ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ વધી જાય છે.
અધકચરો કે કાચો ખોરાક ખાવાની ફેશન
 


હેલ્થ કોન્શિયસ લોકો ઘણીવાર કાચા ફણગાવેલા કઠોળ (સ્પ્રાઉટ્સ), કાચા ઈંડા કે અધકચરો શેકેલો ખોરાક ખાય છે. કાચા માંસ કે ઈંડામાં સાલ્મોનેલા  જેવા ખતરનાક બેક્ટેરિયા હોય છે જે રાંધ્યા વગર સીધા શરીરમાં પહોંચે છે. ફણગાવવા માટે જરૂરી ભેજ અને ગરમીના વાતાવરણમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી વધે છે, તેથી કઠોળને હંમેશા ધોઈને અને બરાબર પકવીને જ ખાવા જોઈએ.


ફળો અને શાકભાજી ધોવામાં બેદરકારી 
 બજારમાંથી લાવેલા શાકભાજીને લોકો માત્ર સાદા પાણીથી ધોઈ લે છે. પાક ઉગાડતી વખતે રાસાયણિક કીટનાશકો અને દૂષિત પાણીનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સ દૂર કરવા માટે શાકભાજીને પાણીમાં થોડો વિનેગર કે બેકિંગ સોડા ઉમેરીને બરાબર સાફ કરવા જોઈએ.


ક્રોસ-કન્ટેમિનેશન એટલે કે ચેપનું સ્થાનાંતરણ 
જો તમે શાકભાજી કે અન્ય સામગ્રી કાપ્યા પછી ચૉપિંગ બોર્ડ અને ચપ્પુને બરાબર સાફ નથી કરતા, તો એક ખોરાકના બેક્ટેરિયા બીજા ખોરાકમાં સરળતાથી પ્રવેશી જાય છે. આ નાની દેખાતી બેદરકારી આખા પરિવારને બીમાર પાડી શકે છે.

ખોરાકનો અયોગ્ય સંગ્રહ
 રાંધેલા ખોરાકને લાંબા સમય સુધી સામાન્ય તાપમાને  ખુલ્લો રાખવાથી તેમાં બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થાય છે. ભલે આ ખોરાક સ્વાદમાં સારો લાગતો હોય, પરંતુ તેને લાંબા સમય પછી ફ્રિજમાં મૂકવા છતાં તે દૂષિત જ રહે છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application