રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરાતી તિરંગા યાત્રામાં દર વર્ષે ભાજપના પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાના કોઈને કોઈ નેતા અચૂક હાજર રહેતા હોય છે પરંતુ આજે યોજાયેલી તિરંગા યાત્રામાં ભાજપના કોઈ મોટા નેતા નહીં આવતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. શું રાજકોટ શહેરમાં સંગઠન પાંખ અને સત્તા પાંખ વચ્ચેનું સંકલન ધીમી ગતિએ ખોરવાઈ રહ્યું છે ? તેવા સવાલો તિરંગા યાત્રા બાદ ઉઠવા પામ્યા હતા. આ ઉપરાંત તિરંગા યાત્રાના નિમંત્રણ પણ સમયસર નહીં હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો.
રાજકોટની તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેનાર હતા પરંતુ તેઓ આવ્યા ન હતા, અલબત્ત તેમની તબિયત નાદુરસ્ત હોય તેઓ આવી શક્યા નહીં હોવાનું સ્થાનિક નેતાઓએ પ્રેસ મીડિયા સાથેની ઔપચારિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું. પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાના નેતાની હાજરીથી તિરંગા યાત્રા વધુ સફળ રહેતી હોય છે. અગાઉના વર્ષોની તુલનાએ આ વર્ષે યાત્રામાં જનમેદની જોવા મળી હતી તે બાબત ભાજપના વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની હતી. શું સંગઠન પાંખ અને સત્તા પાંખ વચ્ચેનું સંકલન ધીમી ગતિએ ખોરવાઇ રહ્યું છે તેના કારણે આવી બની રહ્યું છે !? તે સવાલ અનુત્તર રહ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાના ૧૭ વોર્ડના ભાજપના ૬૫ કોર્પોરેટરો અને રાજકોટ શહેર ભાજપની ટીમ જહેમત ઉઠાવે તેમ છતાં આટલી જ જનમેદની ઉપસ્થિત રહે તે નિઃશંકપણે આશ્ચર્યની વાત છે.
મહાપાલિકામાં છેલ્લા અઢી મહિનાથી નવી ટીમે ચાર્જ સંભાળ્યો ત્યારથી હવે ખર્ચ બચત તેમજ ટેક્નોલોજિકલ અભિગમ જેવા નામ હેઠળ નિમંત્રણ કાર્ડની પ્રિન્ટ કોપીના બદલે સોફ્ટ કોપી વ્હોટ્સ એપથી મોકલવાનું શરૂ કરાયું છે. ઉલટુ સોફ્ટ કોપી તો વધુને વધુ લોકો સુધી સમયસર પહોંચવી જોઇએ પરંતુ તેવું બન્યું નથી. તિરંગાયાત્રાનું ઇ-ઇન્વિટેશન પક્ષના આગેવાનો અને નેતાઓ સુધી પણ પહોંચ્યું નહીં હોવાની ચર્ચા છે. સવારે નવ કલાકે તિરંગા યાત્રા હતી તેનું ઇન્વિટેશન અમુકને મોડી રાત્રે મળ્યું હતું !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application