લોકશાહીના પર્વમાં જ્યારે આખું રાજ્ય મતદાનના ઉત્સાહમાં રંગાયું છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાંથી એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રહેતા શાહનુર કાસમભાઈ ગઢવારા નામની દીકરીએ પોતાના જીવનના સૌથી મહત્વના દિવસ એટલે કે નિકાહના થોડા સમય પૂર્વે જ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની અતૂટ નિષ્ઠા પ્રદર્શિત કરી છે.
આજે જ્યારે શાહનુરના ઘરે લગ્નની શરણાઈઓ ગૂંજી રહી હતી અને નિકાહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે આ નવવધૂએ શણગાર સજીને સાસરે સિધાવતા પહેલા લોકશાહીના માંડવે જઈ મતદાન કરવાનું નક્કી કર્યું હતું. શાહનુર ગઢવારાએ ચંદ્રપુર ખાતેના મતદાન મથક પર પહોંચીને પોતાનો કિંમતી મત આપ્યો હતો. લગ્નના પહેરવેશમાં સજ્જ દુલ્હનને મતદાન મથકે જોઈને ત્યાં ઉપસ્થિત અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફમાં પણ આશ્ચર્ય અને આનંદની લાગણી પ્રસરી હતી.
પોતાના નિકાહ પૂર્વે મતદાન કર્યા બાદ શાહનુર ગઢવારાએ જણાવ્યું હતું કે, “લગ્ન એ જીવનનો મોટો પ્રસંગ છે, પરંતુ મતદાન એ દેશ અને સમાજ પ્રત્યેની આપણી સૌથી મોટી ફરજ છે. દરેક નાગરિકે પોતાની વ્યક્તિગત જવાબદારીઓ વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેનું આ કર્તવ્ય ભૂલવું જોઈએ નહીં.” એક તરફ લગ્ન જેવો મંગળ અવસર અને બીજી તરફ લોકશાહીનું મહાપર્વ - આ બંનેનો સુમેળ સાધીને શાહનુર ગઢવારાએ ખાસ કરીને યુવા મતદારો અને મહિલાઓ માટે એક અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈ પણ ભોગે મતદાન છૂટવું જોઈએ નહીં.