BREAKING NEWS

કાકાએ કરેલી મજાક પસંદ ન આવી, ઉપલેટામાં ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાનું ઢીમ ઢાળી દીધું

  • August 24, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના પડવલા ગામે કૌટુંબિક ભત્રીજાએ છરીનો ઘા ઝીંકી કાકાની ઘાતકી હત્યા નીપજાવી દીધી હતી. કાકાએ કરેલી મજાક પસંદ ન પડતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ છરીનો ઘા છાતીના ભાગે મારી દેતા ઘવાયેલા કાકાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ હત્યામાં પલટાતા ભાયાવદર પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉપલેટાના પડવલા ગામે રહેતા 50 વર્ષીય આધેડ ખેડૂત મુસાભાઇ કારાભાઈ નોયડાએ આરોપી તરીકે ગામમાં જ રહેતા સોહીલ અયુબભાઈ નોયડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમા બે દિકરા છે. જેમા સૌથી મોટો દિકરો નાસીર (ઉ.વ.૨૨) અને નાનો દિકરો સમીર (ઉવ ૨૧) છે. અમે પાંચ ભાઈઓ છીએ. જેમા સૌથી મોટો તે છે તેનાથી નાનો ભાઈ આદમ (ઉ.વ.૪૬), તેનાથી નાનો ભાઈ (અદ્રેમાન ઉ.વ.૩૫) જે કુંવારો હતો અને તે ફીરોજ સાથે રહેતો હતો. તેનાથી નાનોભાઈ ફીરોજ (ઉ.વ. ૨૮) અને તેનાથી નાનો ભાઈ રજાક (ઉ.વ.૨૫) છે. બધા ભાઈઓ અલગ અલગ રહે છે.


આધેડે જણાવ્યુ હતું કે, ગત તા. ૨૩/૦૮/૨૦૨૬ ના સાંજના આશરે સાત વાગ્યે તે વાડીએથી ચાલીને ગામમા રોડ ઉપર લખેલ સબીલ (પાણીનુ પરબ) આવેલ હોય તે જગ્યા પાસે જઈને બેઠા હતાં. ત્યા મારા કાકા હાજુભાઈ મુંગરભાઈ નોયડા પણ બેઠા હતા. સબીલની પાછળની સાઇડ યુવાનનો નાનોભાઇ અદ્રેમાન તથા મારો કૌટુંબીક ભત્રીજો સોહીલ અયુબભાઇ નોયડા બંને બેઠા હતા. સાંજના આશરે સાડા સાતેક વાગ્યાની આસપાસ યુવાનનો ભાઇ અદ્રેમાન દોડીને તેમની પાસે આવ્યો હતો અને મને કહેલ કે, સોહીલે કોઇ ધારદાર હથિયાર મારી દીધુ છે. ત્યારે સોહીલ સામે આશરે વીસ ફુટ દુર ઉભો હતો. દરમિયાન યુવાને તેના ભાઈ અદ્રેમાનની છાતી ઉપર લોહી નીકળતા કપડા સાથે જોયો હતો. બાદ તેને બાથમા લેતા તે પડી ગયો હતો. લોહી જોઈને મને પણ ચકર આવતા તે પણ તેની સામે પડી ગયા હતા. દરમિયાન દેકારો થતા આધેડનો દિકરો સમીર ત્યા જગ્યા ઉપર આવી ગયો હતો. દરમિયાન સોહીલ ત્યાથી ભાગી ગયેલ હતો. આધેડનો દિકરો સમીર તથા તેનો ભાઈ ફીરોજ તથા કૌટુંબિક કાકા ચીનાભાઇ હાસમભાઈ નોયડા સહિતના લોકો અદ્રેમાનને યુનુસભાઇની ગાડીમાં ભાયાવદર સરકારી દવાખાને સારવારમા લઇ ગયા હતા. જયા તબીબે અદ્રેમાનને વધુ સારવાર માટે ઉપલેટા ખસેડવાનું જણાવતા તાત્કાલિક ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ હતા. જયા ફરજ પરના તબીબે આધેડના ભાઈને તપાસી મૃત જાહેર કરી દીધો હતો.


આધેડ ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, તેના ભાઇ અદ્રેમાન અને સોહીલ બંનેની બનાવવાળી જગ્યા પર સાથે જ બેસવાનો અને એકબીજા સાથે મજાક-મસ્તી કરવાનો સંબંધ હતો. સોહીલ અયુબભાઈ નોયડા શીકારીવૃતી ધરાવતો હોય અને સસલા તેમજ તેતરનો શીકાર કરવાની કાયમી ટેવ ધરાવતો હોય જેથી પોતાની સાથે છરી રાખતો હતો. સોહીલની અદ્રેમાને કોઈ મસ્તી કરી હોય અને સોહીલને તે વાત પસંદ નહિ આવતા સોહીલ ગુસ્સે થઇ છરી કાઢીને મારા ભાઇ અદ્રેમાનને છાતીની ઉપરના ડાબા ભાગે છરીનો એક ઘા મારી દીધેલ હતો. જે ઘા જીવલેણ નીવડતા મારા ભાઈ અદ્રેમાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપી સોહીલ અયુબ નોયડાની ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ. ઠાકોરની ટીમે શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application