ઘર ખરીદવું એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી મોટો નાણાકીય નિર્ણય માનવામાં આવે છે. પરંતુ જ્યારે રોકાણ અને વળતરની વાત આવે છે ત્યારે એક પ્રશ્ન અવારનવાર સામે આવે છે કે, 1 કરોડ રૂપિયાનું ઘર ખરીદવું વધુ ફાયદાકારક છે કે પછી 40000 રૂપિયાના માસિક ભાડા પર રહીને બાકીના નાણાંનું રોકાણ કરવું? ફાઇનાન્શિયલ એક્સપ્રેસની એક તાજેતરની ગણતરીમાં 20 વર્ષના સમયગાળા માટે આ બંને વિકલ્પોની વિગતવાર સરખામણી કરવામાં આવી છે.
ધારો કે કોઈ વ્યક્તિ પાસે ઘર માટે દર મહિને આશરે 70000 રૂપિયાનું બજેટ છે. જો તે 1 કરોડ રૂપિયાનું ઘર ખરીદે છે અને 20 ટકા એટલે કે 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ચૂકવે છે, તો બાકીના 80 લાખ રૂપિયાની હોમ લોન 8 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે લેવી પડે. આ હિસાબે તેની માસિક ઈએમઆઈ (EMI) આશરે 66900 રૂપિયા થશે. 20 વર્ષમાં કુલ ઈએમઆઈ ચુકવણી 1.61 કરોડ રૂપિયા થાય છે. જો ઘરની કિંમતમાં પ્રતિ વર્ષ સરેરાશ 8 ટકાનો વધારો થાય, તો 20 વર્ષ પછી તે પ્રોપર્ટીની અનુમાનિત કિંમત આશરે 4.66 કરોડ રૂપિયા થઈ શકે છે.
બીજી તરફ જો બીજી વ્યક્તિ એ જ ઘર 40000 રૂપિયાના માસિક ભાડા પર લે છે, તો 70000 રૂપિયાના કુલ બજેટમાંથી ભાડું ચૂકવ્યા બાદ તેની પાસે દર મહિને 30000 રૂપિયા બચે છે. જો તે આ 30000 રૂપિયાની એસઆઈપી (SIP) 20 વર્ષ સુધી કરે અને તેના પર સરેરાશ 12 ટકા વાર્ષિક રિટર્ન મળે, તો આ રકમ 2.97 કરોડ રૂપિયા થઈ શકે છે. આ ઉપરાંત, બચેલા 20 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પણ 12 ટકા વળતર ગણીએ તો તે 1.93 કરોડ રૂપિયા બને છે. આ રીતે ભાડૂઆતનો કુલ ફંડ 4.90 કરોડ રૂપિયા થઈ શકે છે.
આ ગણતરી મુજબ 20 વર્ષ પછી ઘર ખરીદનાર પાસે 4.66 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હશે, જ્યારે ભાડૂઆત પાસે 4.90 કરોડ રૂપિયાનું નાણાકીય ભંડોળ હશે. એટલે કે કાગળ પર ભાડૂઆતને 24 લાખ રૂપિયાનો સીધો ફાયદો દેખાય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં દર વર્ષે ભાડામાં થતો વધારો, પ્રોપર્ટી ટેક્સ, મેન્ટેનન્સ અને બજારના ઉતાર-ચઢાવ જેવા પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. તેથી આ નિર્ણય માત્ર આંકડા જોઈને નહીં પરંતુ પોતાની આવક અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ.