BREAKING NEWS

અરબ સાગરમાં પાકિસ્તાની યુદ્ધપોત PNS હુનૈને ભારતીય નૌસેનાના જહાજને ટક્કર મારી: ભારતનો કડક વિરોધ

  • September 16, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબ સાગરમાં 15 સપ્ટેમ્બરની સાંજે પાકિસ્તાની નૌસેનાના એક યુદ્ધપોતે ભારતીય નૌસેનાના જહાજને ટક્કર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. પાકિસ્તાની નૌસેનાનું જહાજ PNS હુનૈન અત્યંત ઝડપે, અસુરક્ષિત અને ગેરવ્યાવસાયિક રીતે ભારતીય નૌસેનાના એક ફ્રન્ટલાઇન વોરશિપની બિલકુલ નજીક આવી ગયું હતું. આ ઘટના બની તે સમયે ભારતીય જહાજ અરબ સાગરમાં નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ મિશન પર તૈનાત હતું.


ભારતીય જહાજના કેપ્ટને અત્યંત સંયમ જાળવીને એક મોટી હોનારત ટાળી હતી. આ ટક્કરમાં ભારતીય વોરશિપને કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ પીએનએસ હુનૈનને ગંભીર નુકસાન પહોંચતાં તેને પરત બંદર તરફ જવાની ફરજ પડી હતી. ભારતે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનના ચાર્જ ડી અફેર્સને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાન પર 1991 ના દ્વિપક્ષીય સૈન્ય કરારની કલમ 10 ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.


પીએનએસ હુનૈન (F-273) પાકિસ્તાની નૌસેનાનું 'યારમૂક ક્લાસ બેચ-2' ઓફશોર પેટ્રોલ કોર્વેટ છે. રોમાનિયાના ડેમન શિપયાર્ડમાં બનેલું આ યુદ્ધપોત જુલાઈ 2024 માં જ પાકિસ્તાની સૈન્યમાં સામેલ થયું હતું. આ જહાજની લંબાઈ 95.8 થી 98 મીટર અને પહોળાઈ 14.4 થી 14.6 મીટર છે. આશરે 2600 ટન વિસ્થાપન (ડિસ્પ્લેસમેન્ટ) ધરાવતું આ યુદ્ધપોત 41 થી 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે અને તે દરિયામાં સતત 40 દિવસ સુધી રહી શકે છે.


​​​​​​​આ યુદ્ધપોત આધુનિક હથિયારોથી સજ્જ છે, જેમાં 30 મીમી અને 12.7 મીમીના અસેલમેન રિમોટ વેપન્સ સ્ટેશન, એન્ટી-શિપ અને લેન્ડ એટેક માટે હરબહ મિસાઇલ લોન્ચર તથા સીઆઈડબલ્યુએસ (CIWS) એર ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. પાકિસ્તાને પોતાની નૌકાદળની ક્ષમતા વધારવા માટે આ નવું જહાજ સામેલ કર્યું હતું, પરંતુ તેની ગેરવ્યાવસાયિક હિલચાલના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઘોર નિંદા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application