BREAKING NEWS

લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં NIA ની ચાર્જશીટમાં સન્સનાટીભર્યા ખુલાસા: 'મધર ઓફ શેતાન' વિસ્ફોટક અને આત્મઘાતી હુમલાનું કાવતરું ખુલ્લું પડ્યું

  • September 09, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 13 આતંકવાદીઓ સામે ગંભીર આરોપો સાથે અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર ઉમર નબી હતો, જેણે પોતે એક આત્મઘાતી બોમ્બર (સ્યુસાઇડ બોમ્બર) બનીને કારમાં વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

NIA ની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી Hyundai i20 કાર વાસ્તવમાં એક VBIED (વ્હીકલ-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) એટલે કે ચાલતી-ફરતી બોમ્બ કાર હતી. ફોરેન્સિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી Tri-Acetone Tri-Peroxide (TATP), અમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા અત્યંત ખતરનાક કેમિકલ્સના અવશેષો મળી આવ્યા છે. TATP ને આતંકી સંગઠનોની ભાષામાં 'મધર ઓફ શેતાન' (Mother of Satan) કહેવામાં આવે છે, કારણ કે તે અત્યંત સંવેદનશીલ અને વિનાશક હોમમેઇડ વિસ્ફોટક છે.


ઘટનાસ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની DNA ફિંગરપ્રિન્ટિંગ તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે કારમાં હાજર વ્યક્તિ ઉમર નબી જ હતો અને તેણે પોતાની પાસે રહેલા કમાન્ડ સિસ્ટમ મિકેનિઝમ વડે કાર બોમ્બને સક્રિય કર્યો હતો. આ તમામ આતંકવાદીઓ 'અંસાર ગઝવાત-ઉલ-હિંદ' (AGuH) અને 'AQIS' જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ 'સિગ્નલ' એન્ક્રિપ્ટેડ એપ પર કોડ નેમથી વાતચીત કરતા હતા અને અલ-કાયદા સંબંધી 'લોન મુજાહિદ પોકેટ બુક' નામની મેન્યુઅલનો ઉપયોગ કરીને આત્મઘાતી હુમલા અને IED બનાવવાની તાલીમ મેળવી રહ્યા હતા.


​​​​​​​ચાર્જશીટમાં ફરીદાબાદ સ્થિત ભાડાના મકાનમાંથી વિસ્ફોટકો અને લેબ સાધનો જપ્ત કરવાનો પણ ઉલ્લેખ છે, જેને તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા જ્યાં 14 નવેમ્બર 2025 ના રોજ થયેલા અકસ્માત વિસ્ફોટમાં 9 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. NIA એ CFSL ચંડીગઢ અને NFSU ગાંધીનગર ખાતેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરીને આખું ષડયંત્ર ખુલ્લું પાડ્યું છે. જોકે, મુખ્ય સૂત્રધાર ઉમર નબીનું વિસ્ફોટમાં મોત થતાં તેની સામેની કાનૂની કાર્યવાહી રદ કરવામાં આવી છે, પરંતુ બાકીના 12 આરોપીઓ સામે UAPA અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ મજબૂત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News