ગુજરાત સરકારે રાજ્યમાં ભાડાના મકાનો અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા 'ગુજરાત રેન્ટ બિલ, 2026' (Gujarat Bill No. 22 of 2026) રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા બિલમાં વર્ષ 1947ના જૂના 'ગુજરાત રેન્ટ્સ, હોટેલ એન્ડ લોજિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ'ને સંપૂર્ણપણે રદ કરીને તેના સ્થાને આધુનિક કરાર આધારિત નવી ભાડા વ્યવસ્થા લાગુ કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યભરમાં નવી ભાડા વ્યવસ્થા કાર્યરત થશે.
નવા કાયદાની મુખ્ય જોગવાઈ મુજબ, હવેથી લેખિત કરાર વિના કોઈ પણ મકાન કે કમર્શિયલ પરિસર ભાડે આપી કે લઈ શકાશે નહીં. ભાડા કરાર કર્યા બાદ મકાનમાલિક અને ભાડૂતે નિયત નમૂનામાં આ કરાર અંગેની જાણકારી સંયુક્તપણે બે મહિનાની અંદર 'ભાડા સત્તામંડળ' (Rent Authority) ને આપવી ફરજિયાત રહેશે. આ પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે સરકાર દ્વારા એક વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદોના ઝડપી નિરાકરણ અને સુગમ ન્યાય માટે ભાડા સત્તામંડળ, ભાડા અદાલત અને ભાડા ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ પણ આ ખરડામાં સમોવવામાં આવી છે.
આ બિલમાં સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડૂઆતના અધિકારો અંગે પણ અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મકાનમાલિક હવેથી ત્રણ મહિનાના ભાડાથી વધુ રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે વસૂલી શકશે નહીં. તેમજ ભાડૂઆત દ્વારા મિલકત ખાલી કર્યા બાદ, નિયમ મુજબની કપાત કરીને બાકીની ડિપોઝિટ એક મહિનાની અંદર પરત કરવાની રહેશે. આ સિવાય, મકાનમાલિક કે પ્રોપર્ટી મેનેજર ભાડાની મિલકતમાં પ્રવેશતા પહેલા ભાડૂઆતને અગાઉથી જાણ કરવી પડશે અને સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી મિલકતમાં પ્રવેશવાની મંજૂરી મળશે નહીં.
જો કરારની મુદત પૂરી થયા બાદ તેનું નવેસરથી નવીનીકરણ (Renew) કર્યા વિના ભાડૂઆત મિલકતનો કબજો જાળવી રાખશે, તો તેણે માસિક ભાડા કરતાં બમણું ભાડું ચૂકવવું પડશે. જોકે, યુદ્ધ, પૂર કે ચક્રવાત જેવી અણધારી કુદરતી આપત્તિઓના કિસ્સામાં ભાડૂઆતને આપત્તિનો સમયગાળો પૂર્ણ થયા બાદ વધુમાં વધુ એક મહિના સુધી કબજો જાળવી રાખવાની વિશેષ છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત, મકાનમાલિક સાથે વધારાના કરાર દ્વારા લેખિત પરવાનગી મેળવ્યા સિવાય ભાડૂઆત ભાડાની મિલકતનો કોઈપણ ભાગ અન્ય કોઈ વ્યક્તિને ભાડે (સબ-લેટ) આપી શકશે નહીં.
ગુજરાત ભાડા વિધેયકમાં પ્રસ્તાવિત જોગવાઈ
ભાડા કરાર લેખિત હોવો ફરજિયાત.
મકાનમાલિક ત્રણ મહિનાના ભાડાથી વધુ ડિપોઝીટ નહીં લઈ શકે.
મકાન ખાલી કર્યા બાદ માન્ય કપાત કરી એક મહિનામાં ડિપોઝીટ પરત કરવી પડશે.
મકાનમાલિક પાણી, વીજળી, ગેસ, લિફ્ટ કે પાર્કિંગ જેવી આવશ્યક સેવા મનસ્વી રીતે બંધ નહીં કરી શકે.
મકાનમાં પ્રવેશતા પહેલા સામાન્ય રીતે 24 કલાકની લેખિત નોટિસ આપવી પડશે.
ભાડું ન ચૂકવવાના કારણે તરત જ મકાન ખાલી કરાવી શકાશે નહીં.
સતત બે મહિના સુધી ભાડું નહીં ચૂકવાય તો મકાન ખાલી કરાવવા કાર્યવાહી કરી શકાશે.