રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ (રાલોસંગ)ની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સહકારી ક્ષેત્રની આ હાઈવોલ્ટેજ ચૂંટણીમાં પરાજયનો સામનો કર્યા બાદ રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી નેતા અરવિંદ રૈયાણીએ પોતાની હારની ખુલ્લેઆમ કબૂલાત કરી છે. ચૂંટણીમાં નિષ્ફળતા મળ્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા પોતાના વિરોધીઓને સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપ્યો હતો કે તેઓ આ પરાજયથી નિરાશ થઈને શાંત બેસી રહેવાના નથી, પરંતુ લોકસેવા અને સહકારી પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહેશે.
રાજકોટ લોધિકા સંઘની આ ચૂંટણી શરૂઆતથી જ ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરેલી બની રહી હતી. ભાજપના આંતરિક જૂથવાદ અને સહકારી ક્ષેત્રના વર્ચસ્વ વચ્ચે ખેલાયેલા આ સંગ્રામમાં પરિણામો જાહેર થતાં જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. હાર બાદ અરવિંદ રૈયાણીએ સ્પષ્ટતા કરી હતી કે લોકશાહીમાં હાર-જીત સ્વીકારવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે, "ચોક્કસથી હું ચૂંટણી હાર્યો છું તેની નિખાલસતાથી કબૂલાત કરું છું. પરંતુ હું મારા વિરોધીઓને સ્પષ્ટપણે કહેવા માગું છું કે હું હાર માનીને કે પગ વાળીને બેસી જવાનો નથી. સહકારી ક્ષેત્ર અને વિસ્તારના લોકો માટે મારી લડત અને સેવાકાર્ય આ જ રીતે આગળ પણ ચાલુ રહેશે."
બીજી તરફ, સંઘમાં સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતા ત્રણ બોર્ડ ડિરેક્ટરોના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. સંઘની નીતિ-રીતિ મુજબ સરકાર તરફથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પ્રતિનિધિઓ મૂકવામાં આવતા હોય છે. આ અંગે અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સરકાર દ્વારા ત્રણ બોર્ડ ડિરેક્ટરોની નિયુક્તિ મામલે જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને સંપૂર્ણપણે શિરોમાન્ય રહેશે. પક્ષ અને સરકાર જે પણ આદેશ કરશે તેનું પાલન કરવામાં આવશે.
હાલમાં રાજકીય ગલિયારામાં એવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે કે ચૂંટણીમાં પરાજય થયો હોવા છતાં, સરકાર પોતાના અધિકારનો ઉપયોગ કરીને હારેલા ઉમેદવાર અરવિંદ રૈયાણી તેમજ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને સંઘમાં બોર્ડ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરી પ્રતિનિધિત્વ સોંપી શકે છે. જો સરકાર દ્વારા આ બંને નેતાઓને નોમિનેટેડ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવે તો લોધિકા સંઘના આગામી શાસનમાં નવો વળાંક આવી શકે છે, જેને લઈને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
વ્હીપનો અનાદર કરનાર સામે કાર્યવાહીની ચિમકી
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે રા.લો.સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી ભાજપના મેન્ડેટથી જ કરવામાં આવશે. ચૂંટણી પરિણામો બાદ અલ્પેશ ઢોલરિયાના બોલ બદલાયા હોય તેવું જોવા મળ્યું છે. ફોર્મ ભરતા પહેલાં તેમણે તમામ ઉમેદવારો ભાજપના જ કાર્યકર્તાઓ હોવાનું જણાવ્યું હતું. જોકે પરિણામો આવ્યા બાદ તેમણે કહ્યું કે વિજય સખીયા અને નીતિન ચોવટીયા ભાજપના ઉમેદવાર કે કાર્યકર નથી. ભાજપના વ્હીપનો અનાદર કરનારાઓ સામે પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.