ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતો અને તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. ઊભા પાકને પાણીની ભારે જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ચિંતિત હતા. આ દરમિયાન આજે 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વરસેલા વરસાદથી સૂકાઈ રહેલા મોલને સંજીવની મળી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધ્રોલના ઇટારા અને હમાપર જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાવરકુંડલાના ખડસલી ગામમાં પણ સારો વરસાદ થતાં ગામની ગલીઓ પાણી-પાણી થઈ ગઈ હતી.
ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી. મહુવાના ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર અને કુંભારવાડા સહિતના સીટી વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદ ખેંચાવાના કારણે સુકાઈ રહેલા પાકને આજે પડેલા વરસાદથી નવજીવન મળ્યું છે અને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે. જોકે, સંપૂર્ણ પાક બચાવવા માટે ખેડૂતો હજુ પણ વધુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
રાજ્યના 23 જેટલા જિલ્લાઓમાં સામાન્ય કરતાં વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ તરફથી પણ રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય અને આસપાસના વિસ્તારમાં એકસાથે ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ વરસશે તેવી આશા સેવાઈ રહી છે.