BREAKING NEWS

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ ફરી હિંસા ભડકી: સોનાના વેપારી અને મહિલા સહિત 2 હિન્દુઓની નિર્મમ હત્યા

  • September 09, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યાક સમુદાયો પર વધી રહેલા હુમલાઓ વચ્ચે વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી બે જુદી-જુદી હિંસક ઘટનાઓમાં એક મહિલા સહિત 2 હિન્દુ નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ તાજી ઘટનાઓને પગલે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે અને સ્થાનિક હિન્દુઓમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.

પ્રથમ ઘટનામાં 45 વર્ષીય હિન્દુ સોની વેપારી અલિફ ચંદ્ર દત્તાની ધારદાર હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ નૌગાંવ જિલ્લાના મહાદેવપુર ઉપજિલ્લામાં આવેલી પોતાની જ્વેલરીની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે જ્યારે તેઓ દુલાલપારા નજીક પોતાના ઘર પાસે પહોંચ્યા, ત્યારે અજ્ઞાત હુમલાખોરોના એક જૂથે તેમને ઘેરી લીધા હતા અને ધારદાર હથિયારો વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.


સ્થાનિક અહેવાલો મુજબ, હુમલાખોરો અલિફ ચંદ્ર દત્તા પાસેથી કિંમતી સોનું અને 7 લાખ બાંગ્લાદેશી ટાકા રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દત્તાને તાત્કાલિક સારવાર અર્થે રાજશાહી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. મહાદેવપુર પોલીસ સ્ટેશનના અધિકારી ઉમર ફારુકે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ માત્ર લૂંટનો કેસ છે કે તેની પાછળ કોઈ અન્ય અંગત દુશ્મનાવટ છે તે અંગે કાનૂની તપાસ ચાલી રહી છે.


​​​​​​​બીજી ઘટનામાં કોક્સ બજાર જિલ્લાના મહેશખલી ઉપજિલ્લા ખાતે 45 વર્ષીય હિન્દુ મહિલા રાની સુશીલની તેમના જ ઘરમાં ઘૂસીને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સોમવારે સાંજે આશરે 7:30 વાગ્યે હોનોક યુનિયન વિસ્તારમાં બની હતી, જ્યારે એક અજ્ઞાત ઘૂસણખોરે ચોરીના ઈરાદા સાથે ઘરમાં ઘૂસીને મહિલા પર હુમલો કર્યો હતો. ટૂંકા ગાળામાં 2 હિન્દુઓની હત્યાથી સમગ્ર દેશમાં લઘુમતીઓ સામેની હિંસા અંગે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News