BREAKING NEWS

અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું: 25ના ટોળાનો લાકડી-ધોકાથી હુમલો, ત્રણ રાઉન્ડ ફાયરિંગ

  • November 09, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીની બહાર ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે ભીષણ ઘર્ષણ સર્જાયું હતું. સોસાયટી બહાર ફટાકડા ફોડવાની ના પાડતાં ઉશ્કેરાયેલા યુવકોએ ૨૦થી ૨૫ લોકોના ટોળાને બોલાવીને સોસાયટીના સભ્યો પર લાકડીઓ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. જાહેરમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બનાવની વિગતો અનુસાર, સોસાયટીમાં રહેતા જીગર પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ૬ નવેમ્બરે રાત્રે સોસાયટી બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર આવતા તેમને રોકવામાં આવ્યા હતા, છતાં તેઓ ન માન્યા. ત્યારબાદ ૮ નવેમ્બરની રાત્રે આ જ યુવકો ફરી સોસાયટી આગળ આવી રોકેટ અને ફટાકડા ફોડવા લાગ્યા હતા. રોકેટ સોસાયટીના રહીશો પર પડતાં રહીશોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકોએ ઉશ્કેરાઈને "અહીં જ ફટાકડા ફોડીશું, થાય તે કરી લો" કહી ઝઘડો શરૂ કર્યો હતો.

ત્યારબાદ યુવકોએ અન્ય અસામાજિક તત્વોને બોલાવી લીધા હતા. ક્ષણવારમાં ૨૦થી ૨૫ જેટલા લોકોનું ટોળું લાકડીઓ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું અને સોસાયટીના સભ્યો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન પરિસ્થિતિ વણસતાં અને જીવનું જોખમ ઊભું થતાં સોસાયટીના સભ્ય રાકેશ પટેલે પોતાના સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. હવામાં ફાયરિંગ થતાં જ હુમલાખોર ટોળું સ્થળ પરથી ભાગી છૂટ્યું હતું.

આ હિંસક હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સોસાયટીના ચારથી પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ બોડકદેવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી જીગર પટેલની ફરિયાદના આધારે મિલન રબારી, મિત દેસાઈ, મૌલિક દેસાઈ, રાહુલ દેસાઈ, દક્ષ દેસાઈ, જવલ દેસાઈ, હેત દેસાઈ, સેંધા રબારી, લાલો રબારી, રગનેશ દેસાઈ, વિહાજી રબારી, પ્રાંશુ કોઈટાવાડ, અર્જુન દેસાઈ, વિશ્વાસ કાલી અને એક અજાણ્યા શખસ સહિત ૧૫ યુવકો સામે હત્યાના પ્રયાસ (IPC 307 / BNS ની સંબંધિત કલમો) નો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application