લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે. આજે તેમાં સરેરાશ એક થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને અમરેલી દીવ રાજકોટ નલિયા સહિતના સેન્ટરોમાં આજે લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે સરકી જતા સવારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. સામાન્ય રીતે દિવાળીના તહેવારો પછી ઠંડી દેખાતી હોય છે પરંતુ આ વખતે શિયાળાની સિઝન વહેલી શરૂ થવાની હોય તેમ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે, સાલ મુબારક કરવા જવા માટે લોકોને સ્વેટર પહેરવા પડે એવું લાગે છે.
આજે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું લઘુતમ તાપમાન અમરેલીમાં 17.6 ડિગ્રી નોંધાયું છે નલિયામાં 18.5 ડીસામાં 19.9 દીવ માં 19.2 રાજકોટમાં 19.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 20.6 ભુજમાં 21.4 દ્વારકામાં 24.5 કંડલામાં 22 ઓખામાં 24.7 પોરબંદરમાં 20.2 અને વેરાવળમાં 22.7 ડીગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે.
મોડી સાંજ થી વહેલી સવાર સુધી વાતાવરણ સુકું બની જાય છે અને ભેજનું પ્રમાણ સાવ ઘટી જાય છે. તો ચોમાસુ પાછું ખેંચવાની પ્રક્રિયા ઝડપભેર આગળ વધી રહી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાંથી સંપૂર્ણપણે વિદાય લીધી છે. મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ છત્તીસગઢ ઓડીસા અને તેલંગાણામાં ચોમાસુ પાછું ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે અને આગામી એકાદ દિવસમાં જ આ તમામ રાજ્યોમાંથી પણ ચોમાસુ સંપૂર્ણપણે પરત ખેંચાઈ જશે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ નોર્થ ઇસ્ટના તમામ રાજ્યોમાંથી આગામી 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચાઈ જશે. અત્યારે દક્ષિણના રાજ્યો તામિલનાડુ આંધ્ર પ્રદેશમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે પરંતુ તે પણ ધીમે ધીમે ઘટી જશે.