સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત કસ્તુરબાધામ ત્રંબા ખાતે એક શાળામાં રાજકોટ કલેકટરે સ્વચ્છતા અંતર્ગત શ્રમદાન કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરવામાં આવી હતી.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાજકોટ જિલ્લા મહેસૂલ વિભાગ દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત કસ્તુરબાધામ, ત્રંબા ખાતે શ્રી કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા પરિસરમાં ‘સ્વચ્છતા સેવા યોગદાન કાર્યક્રમ’ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ સ્વચ્છતાના પ્રખર હિમાયતી હતા અને તેઓ ‘જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા’ના મંત્રમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવાનું આપણું લક્ષ્ય છે, ત્યારે ગંદકી વચ્ચે કોઈ પણ દેશ સાચા અર્થમાં વિકસિત ન બની શકે. જે માટે માત્ર સરકારી માળખાગત સુવિધાઓ કે એક દિવસની સફાઈ ઝુંબેશ પૂરતી નથી, પરંતુ સ્વચ્છતા પ્રત્યેક નાગરિકની આદત અને સંસ્કાર બનવી જોઈએ. આપણી કચેરી, ઘર અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની વ્યક્તિગત જવાબદારી આપણે સ્વીકારવી પડશે. આ તકે કલેકટરએ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી પણ આગળ અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો, મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી શાળા અને આશ્રમ પરિસરમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે કટિબદ્ધ રહેવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર બારોટ, શ્રી કસ્તુરબા આશ્રમના ટ્રસ્ટી મોહન મકવાણા, ત્રંબા ગ્રામ પંચાયતના સરપંચ દર્શનાબેન પીઠવા તથા શાળાના આચાર્ય સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.