રાજ્યની ટેકનિકલ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નિર્ધારિત ફી કરતાં વધુ રકમ વસૂલવાના મામલે ફી રેગ્યુલેટરી કમિટીએ કડક વલણ અપનાવ્યું છે. કમિટીએ તમામ સંબંધિત સંસ્થાઓને શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મંજૂર કરાયેલા ફી માળખાનું પાલન કરવા અને આગામી 13 નવેમ્બર, 2026 સુધીમાં સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સોગંદનામું રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર સંસ્થાના આચાર્ય, ડીન અથવા ડાયરેક્ટરની સહી સાથે સત્તાવાર રીતે રજૂ કરવાનું રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં સોગંદનામું રજૂ નહીં કરનારી અથવા ખોટી માહિતી આપનારી સંસ્થાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યમાં તાજેતરમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજો તથા યુનિવર્સિટીઓ દ્વારા ગેરકાયદે ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો કરી હતી.
વિદ્યાર્થી-વાલીઓની ફરિયાદો અને મીડિયા અહેવાલોના આધારે કેટલીક સ્વનિર્ભર ટેકનિકલ સંસ્થાઓ કમિટી દ્વારા મંજૂર કરાયેલા ફી માળખા ઉપરાંત વિવિધ મથાળા હેઠળ વધારાની રકમ વસૂલી રહી છે.કમિટીના ધ્યાનમાં આવેલી વિગતો મુજબ, ટ્યુશન ફી ઉપરાંત લાઈબ્રેરી ફી, લેબોરેટરી ફી, કમ્પ્યૂટર ફી, કોશન મની અને અન્ય પેટા-શીર્ષકો હેઠળ પણ વિદ્યાર્થીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવે છે. નિયમો અનુસાર મંજૂર ફી માળખાની મર્યાદા બહાર આવી રીતે વધારાની ફી વસૂલવી ગેરકાયદે ગણાય છે.
આથી આવી ગેરરીતિઓને અટકાવવા કમિટીએ તમામ સંબંધિત સંસ્થાઓને પરિપત્ર પાઠવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
પરિપત્ર અનુસાર, દરેક સંસ્થાએ દરેક શૈક્ષણિક પ્રોગ્રામ માટે અલગ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. તેમાં સંબંધિત એફ આર સી-ટી કોડનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. સોગંદનામામાં મંજૂર ટ્યુશન ફી સહિત વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી તમામ ફીની મથાવાર વિગતો આપવાની રહેશે. સાથે જ સંસ્થાએ પોતાની વાસ્તવિક ફી અને અન્ય તમામ ઉઘરાણીઓની સાચી માહિતી રજૂ કરવાની રહેશે.
એફ આર સીએ ચેતવણી આપી છે કે સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી ખોટી કે ભ્રામક સાબિત થશે તો જવાબદાર સંસ્થાના વડા સામે લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
કમિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ રાહત આપી છે.કે કોઈ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ કે ગેરકાયદે ફી વસૂલતી હોય તો સંબંધિત વિદ્યાર્થીઓ કે વાલીઓ વિશ્વસનીય પુરાવા સાથે સીધી એફ આર સીની સમક્ષ ફરિયાદ કરી શકશે. ફરિયાદના આધારે સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવશે.એફઆરસીના આ કડક પગલાથી મંજૂર ફી માળખાનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ પર નિયંત્રણ આવશે.