BREAKING NEWS

દિલ્હી આંદોલનના સમર્થનમાં અમદાવાદમાં કોંગ્રેસના ધરણા; કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા, ઘર્ષણના દૃશ્યો સર્જાયા

  • July 22, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીટ પરીક્ષાના પેપર લીક મામલે વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ દેશભરમાં આક્રમક મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય 'રાજીવ ગાંધી ભવન' ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ એક વિશાળ રેલી કાઢી હતી. જોકે, રાજીવ ગાંધી ભવનથી નીકળેલી આ રેલી હજુ તો નજીકના ચાર રસ્તા પાસે પહોંચી ત્યાં જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા માહોલ ગરમાયો હતો.


રેલીને આગળ વધતી રોકવા માટે પોલીસે મોરચો સંભાળતા જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે કેટલાક કાર્યકરો પોલીસની ગાડીઓ પર ચઢી ગયા હતા, જેમને નીચે ઉતારવા માટે પોલીસ કર્મચારીઓએ પણ વાહનો પર ચઢવું પડ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના દિગ્ગજ નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં પોલીસને ભારે પરસેવો છૂટ્યો હતો. અટકાયત દરમિયાન મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કુલ ત્રણ બસ ભરીને ૧૦૦થી વધુ નેતાઓ અને કાર્યકરોની કસ્ટડીમાં અટકાયત કરી હતી.


અટકાયત બાદ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર જ બેસી ગયા હતા અને 'મોદી હાય હાય'ના જોરદાર નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશના ભવિષ્ય એવા લાખો યુવાનોની માફી માંગવી જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ. રાહુલ ગાંધી અને યુવાનો સાથે પોલીસે કરેલું અયોગ્ય વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.


બીજી તરફ, ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાન બહાર કોંગ્રેસે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે પણ આજે બપોરે બે વાગ્યે રાજીવ ગાંધી ભવન ખાતે જ ધરણાં પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. સંભવિત આમનેસામને ઘર્ષણ ટાળવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજીવ ગાંધી ભવન તરફ જતો આખો રસ્તો ડબલ લેયર બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો.


સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત આ રેલી માટે પોલીસ પ્રશાસન પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અંદાજે ૧૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પણ કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે રાજીવ ગાંધી ભવન અને આસપાસના વિસ્તારોમાં સિનિયર પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.


: અમદાવાદના વટવાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં વાંદરવટ તળાવમાં ગઇકાલે સાંજે બે બાળકો ન્હાવા કૂદ્યા હતા અને ત્યારબાદથી ગુમ થઈ ગયા હતા. જેની જાણકારી મળતાં ફાયરબ્રિગેડ, પોલીસ અને અન્ય રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. આખી રાત સુધી બંને બાળકોને શોધવા માટે ઓપરેશન ચલાવાયુ હતું જે સવારે પૂર્ણ થયું. ત્યારે બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application