BREAKING NEWS

રાજકોટમાં જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ, બેનરો સાથે પ્રવેશતા અટકાવતા મનપામાં ધબધબાટી

  • July 20, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની નવી શાસક બોડીની પ્રથમ જનરલ બોર્ડ બેઠક પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપા કચેરી ખાતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રામનાથ મહાદેવ રિવરફ્રન્ટ યોજનામાં થયેલા વિલંબ, જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલીશન ખર્ચ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના સભ્યો બેનરો સાથે બોર્ડ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા વિજિલન્સ ટીમે તેમને મુખ્ય દરવાજા પર જ અટકાવતા ધબધબાટી બોલી હતી.

કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા દસ વર્ષથી દર વર્ષે બજેટમાં સમાવાતો હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયો નથી. શરૂઆતમાં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઇન અને કુંડીઓનું કામ કરાયું હોવા છતાં હાલ એક પણ કુંડી સ્થળ પર દેખાતી નથી. રામનાથ મહાદેવ મંદિરથી કેસરિ હિન્દ પુલ સુધીના વિકાસ કામો એકાએક કેમ અટકી ગયા ? તેમજ અગાઉ થયેલા કરોડોના ખર્ચની જવાબદારી કોની છે તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દિપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલીશન દરમિયાન થયેલા ખર્ચના બિલોમાં ગેરરીતિનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય મંડપના ભાડા કરતાં અનેકગણું વધુ ભાડું દર્શાવી બિલો રજૂ કરવામાં આવ્યા છે. સમગ્ર ખર્ચની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી હતી.

બાદમાં સામાન્ય સભામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ આજી રિવરફ્રન્ટ, જંગલેશ્વર ડિમોલીશન, રેટ કોન્ટ્રાક્ટ, ભંગાર વેચાણ અને પ્રિ-મોન્સૂન કામગીરી સહિતના મુદ્દાઓ પર શાસક પક્ષ અને તંત્રને આકરા સવાલો પૂછતાં બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application