BREAKING NEWS

રાજકોટ લૂંટ વિથ મર્ડર: આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું, લોકોના ટોળા ઉમટ્યા; ત્રીજું હથિયાર મળ્યું

  • October 19, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજી જીઆઈડીસીમાં બનેલ લૂંટ વિથ મર્ડરના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ દિલધડક ઓપરેશન હાથ ધરી નવ કલાકમાં જ લૂંટારૂઓને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. જે બાદ ચાર દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીઓની સઘન પૂછપરછમાં મુખ્ય સૂત્રધારે ફેંકેલું ત્રીજું હથિયાર પણ મળી આવતાં તે કબજે કરી આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. દરમિયાન રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા સાથે પોલીસની કામગીરીને બીરદાવી હતી.

ગઈ તા.૧૪ ના રાત્રીના આજી જી.આઇ.ડી.સી. મેઇન રોડ, બાવીશી વે-બ્રિજ સામે, તન્વિ એક્ષ્પોર્ટ ઇન્ડીયા લિમિટેડ નામના કારખાનાની રિફાઇનરીમાંથી પેઢીના મેનેજર લાલજીભાઇ સરધારા આંતરી સોના-ચાંદીની કુલ રૂ.૧.૫૩ કરોડની મત્તાની લૂંટ ચલાવી હતી. જેમાં ફાયરિંગમાં લાલજીભાઇનું મોત થયું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલ.સી.બી. ઝોન-૧ ની ટીમ તમામનો ધમધમાટ ચલાવી નવ કલાકમાં જ તમામ દસ આરોપીને ઝડપી રૂ.૧.૫૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે તપાસમાં આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી બે હથિયાર પણ કબજે કર્યા હતાં.

જે બાદ તપાસમાં મુખ્ય આરોપી અશ્વિન ઉર્ફે લંકેશે તેની પાસે ઘટના સમયે ત્રીજું હથિયાર પણ હોવાની કબૂલાત આપતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સાથે રાખી અગાઉ જે બે હથિયાર આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી મળ્યા હતાં ત્યાંથી ૧૦૦ મીટરના અંતરેથી ત્રીજું હથિયાર પણ શોધી કાઢી કબજે કર્યું હતું.

દરમિયાન આજે સવારે આરોપીઓને સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ. એસ. ચાવડા અને ટીમે તમામ આરોપી પાસેથી આરોપીઓ પાસેથી ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગે ઝીણવટભરી વિગતો મેળવી હતી.

રિકન્સ્ટ્રક્શન દરમિયાન આજીડેમ વિસ્તારમાં રહેતા શ્રમિકો સહિતના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. રાજકોટ શહેર પોલીસ જિંદાબાદના નારા સાથે પોલીસની કામગીરીને બિરદાવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે તમામ આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટ હવાલે કરી જેલહવાલે કરવામાં આવશે. તે ઉપરાંત આગળ જતા જો જરૂર પડશે તો તપાસ અર્થે ફર્ધર રિમાન્ડ માટે પણ પોલીસ કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન પીએસઆઈ વી. ડી. ડોડીયા અને તેની ટીમ આરોપીઓને સાથે રાખી આર. કે. ઇન્ડસ્ટ્રીઝ પાસે ફેંકેલ હથિયાર ડિસ્કવરી કરવા માટે ગયા હતા ત્યારે આરોપી અનુરાગસિંગે પીએસઆઈ વી. ડી. ડોડીયા પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા વળતાં પ્રહારમાં પીએસઆઈ વી. ડી. ડોડીયાએ આરોપીના પગ પર ગોળી ધરબી દીધી હતી. જે આરોપી હાલ સારવાર હેઠળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application