BREAKING NEWS

બેંકના કસ્ટમર કેરથી આવેલા કોલ નંબર પર હવે ગ્રાહકો સામેથી પણ ફરી ફોન કરી શકશે

  • October 22, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંકો તરફથી આવતા ફોન કોલ્સની ઓળખને લઈને ગ્રાહકોમાં રહેતી અસમંજસની સ્થિતિ હવે ટૂંક સમયમાં દૂર થશે. ટેલિકોમ નિયામક ટ્રાઈ દ્વારા બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તરફથી ૧૬૦૦-સિરીઝના નંબરો પરથી કરવામાં આવતા કોલ્સ પર 'ટૂ-વે કૉલિંગ' (બેતરફી વાતચીત) કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ગ્રાહકો બેંકના અસલી કોલને સરળતાથી ઓળખી શકશે અને આવા નંબરો પરથી આવતા કૉલને અજાણ્યો સમજીને કાપવાની કે અનદેખો કરવાની જરૂર રહેશે નહીં. ગ્રાહકો બેંકમાંથી પ્રાપ્ત થયેલા કૉલ કે મિસ્ડ કૉલ પર ફરીથી કોલ કરીને જરૂરી માહિતી અથવા સ્પષ્ટીકરણ મેળવી શકશે. અત્યાર સુધી ગ્રાહકો નક્કી નહોતા કરી શકતા કે કૉલ બેંકમાંથી આવી રહ્યો છે કે પછી કોઈ સાયબર ઠગ કરી રહ્યો છે.   

નવી વ્યવસ્થા હેઠળ ૧૬૦૦ સિરીઝનો ઉપયોગ બેંક અને નાણાકીય સંસ્થાઓના સર્વિસ કૉલ્સ માટે થશે, જ્યારે ૧૪૦૦ સિરીઝનો ઉપયોગ માત્ર પ્રચાર અને માર્કેટિંગ કૉલ્સ માટે કરવામાં આવશે. આનાથી ગ્રાહકો ૧૬૦૦ સિરીઝના નંબર પર સામેથી કૉલ કરીને બેંક સાથે વાતચીત કરી શકશે, જેનાથી બેંકિંગ માહિતી મેળવવામાં સરળતા રહેશે અને કૉલની અધિકૃતતાને લઈને રહેલો ભ્રમ દૂર થશે. આ સુધારાથી ગ્રાહકોને છેતરપિંડીવાળા કૉલ્સથી બચાવવાના પ્રયાસોને મજબૂતી મળશે.   

ઓનલાઈન બેંકિંગ, ડિજિટલ ચૂકવણી અને ઈ-કોમર્સ ખરીદી દરમિયાન થતી સાયબર છેતરપિંડી પર અંકુશ લગાવવા માટે ટ્રાઈ હવે તમામ ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) મેસેજનો પ્રારૂપ (ફોર્મેટ) એક સરખો કરવા વિચારણા કરી રહ્યું છે. હાલમાં અલગ-અલગ બેંકો અને ડિજિટલ સેવાઓ પોતપોતાના હિસાબે ઓટીપી મેસેજ મોકલે છે, જેના કારણે ગ્રાહકો માટે અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બને છે. નવા પ્રસ્તાવનો મુખ્ય હેતુ ઓટીપી મેસેજની ઓળખ સરળ બનાવવાનો અને તેના દુરુપયોગની શક્યતા ઘટાડવાનો છે.   


ઓટીપીમાં પ્રસ્તાવિત મહત્વપૂર્ણ બદલાવો કરવામાં આવ્યા છે. જેમાં મેસેજમાં સ્પષ્ટ લખેલું હશે કે આ ઓટીપી કયા કામ માટે મોકલવામાં આવ્યો છે, જેમ કે લોગિન, ચૂકવણી કે લેવડ-દેવડની પુષ્ટિ માટે. મેસેજ કઈ બેંક, કંપની કે ડિજિટલ સેવા તરફથી મોકલવામાં આવ્યો છે તે સ્પષ્ટ દર્શાવેલું હશે. ઓટીપી કેટલા સમય સુધી વાપરી શકાશે તેની મર્યાદા પણ ઉલ્લેખિત હશે. સ્ક્રિન પર નોટિફિકેશન તરીકે બાજુમાંથી મેસેજ કે કોડ ન જોઈ શકાય તેવા સુરક્ષા ઉપાયો પણ સામેલ કરાશે.   

રાષ્ટ્રીય સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી નાણાકીય છેતરપિંડીની ફરિયાદો ૨૦૨૧માં ૨.૬૨ લાખ હતી, જે વધીને ૨૦૨૫માં ૨૪.૦૨ લાખ થઈ ગઈ છે. આ ગાળામાં ઠગાઈમાં સામેલ રકમ રૂ.૫૫૧ કરોડથી વધીને રૂ.૨૨,૪૯૫ કરોડ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે ઓટીપીનું સમાન ફોર્મેટ મદદરૂપ થશે, પરંતુ સાયબર ઠગાઈ સંપૂર્ણપણે બંધ કરવા માટે ગ્રાહકોએ પોતે જાગૃત રહેવું પડશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરવો, બેંક કે સરકારી અધિકારી બનીને ફોન કરતી વ્યક્તિને માહિતી ન આપવી અને શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અત્યંત જરૂરી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application