અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. આવતીકાલે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાવ નબળું પડી જશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
કરાચી બંદરથી ૯૧૦ કિલોમીટર દૂર
વાવાઝોડાની ગતિવિધિ અને તેના ટ્રેક પર સતત નજર રાખી રહેલા આઈએમડીના જણાવ્યા મુજબ આ સિસ્ટમ દ્વારકાથી 950 અને નલિયાથી 970 કીલોમીટર દૂર છે. ઓમાનના મશીરાહ બંદરથી માત્ર 200 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચી બંદર થી ૯૧૦ કિલોમીટર દૂર છે.
માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી
વાવાઝોડાની આ સિસ્ટમના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને તોફાની ઝડપે પવન ફૂંકાય છે. પ્રતિ કલાકના 100 થી 110 કીલોમીટર ની ઝડપે ગઈકાલ સુધી પવન ફુકાતો હતો તે આજે આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયા પછી 80 થી 90 કીલોમીટર ની પવનની ઝડપ રહી છે, આવતીકાલે તે 60 થી 70 કિલોમીટર થવાનો અંદાજ મુકાયો છે. માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. પરંતુ વરસાદ માટે કે વાવાઝોડા માટેની કોઈ ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં આપવામાં આવી નથી.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આઈએમડીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રની આ સિસ્ટમ છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. બીજી બાજુ ગઈકાલે સાંજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થવાના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત બિહાર હિમાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઠંડીના પ્રમાણમાં તબક્કા વાર થોડો થોડો વધારો થવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે અને વાવાઝોડાની સિસ્ટમ પછી હવે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઠંડીના પ્રમાણમાં તબક્કા વાર થોડો થોડો વધારો થવાની શક્યતા છે.