રાજકોટ લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવાઈ
રાજકોટ લોકમેળાના ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવાઈ
July 29, 2026 02:34 PM
રાજકોટ લોકમેળા માટેના વિવિધ ફોર્મ વિતરણની મુદત ગઈ તારીખ ૨૮ના રોજ પૂર્ણ થતા તેને વધુ ત્રણ દિવસ માટે વધારવામાં આવી છે. તેમજ ડ્રો માટેની તારીખ ૩ ઓગસ્ટ કરવામાં આવી છે. જ્યારે હરાજીની તારીખમાં કોઈ ફેરફાર કરાયો નથી.લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ (શહેર-૧) પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. ૦૨/૦૯/૨૦૨૬ થી તા. ૦૬/૦૯/૨૦૨૬ દરમિયાન લોકમેળા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ વિતરણ તથા સ્વીકારવાની સમયમર્યાદામાં લોકમેળા સમિતિ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. વધુ લોકો ભાગ લઈ શકે તે માટે અગાઉ જાહેર કરાયેલી ૨૮ જુલાઈની સમયમર્યાદા લંબાવીને હવે તા. ૨૯/૦૭/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધી ફોર્મનું વિતરણ અને પરત સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. ફોર્મ વિતરણ તથા પરત સ્વીકારવાની કામગીરી ઇન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડીંગ, રાજકોટ ખાતેથી કરવામાં આવશે. ૩૧ જુલાઈ પછી ફોર્મ વિતરણ કે સ્વીકારવા માટે મુદત વધારો કરવામાં આવશે નહીં. કેટેગરી બી, સી, જે અને કે ના પ્લોટ/સ્ટોલ માટે અગાઉ ૧ ઓગસ્ટ શનિવારના રોજ યોજાનાર ડ્રો હવે તારીખ ૦૩/૦૮/૨૦૨૬ સોમવારના રોજ યોજાશે. જ્યારે પ્લોટ/સ્ટોલની હરાજીની તારીખોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.