BREAKING NEWS

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 10 થયો: દાઝી ગયેલા શ્રમિકનું મોત

  • July 20, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વસ્ત્રાલ-ગતરાડ રોડ પર ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી ગોઝારી બ્લાસ્ટની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને દસ થયો છે. વિસ્ફોટમાં ૯૫ ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક પુરુષ દર્દીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે હાલ ચાર દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર મેળવી રહેલા દર્દીઓ પૈકી એક મહિલાની સ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.


સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બ્લાસ્ટની ઘટના બાદ કુલ પાંચ ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને ચાર પુરુષો સામેલ હતા. તેમાંથી ૯૫ ટકાથી વધુ દાઝી ગયેલા પુરુષનું અવસાન થયું છે, જ્યારે ૭૫ ટકાથી વધુ દાઝેલી મહિલાની સ્થિતિ ગંભીર છે. અન્ય દાખલ દર્દીઓ પૈકી ૪૦ ટકા અને ૨૦ ટકા દાઝેલા દર્દીઓને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાંથી દાનમાં મળેલી ચામડી લગાવીને પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે, જેથી તેમની ઝડપી રિકવરી થઈ શકે.


ઉલ્લેખનીય છે કે, ૧૮ જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો અને શ્રમિકોના શરીરના ચીથરા ઉડી ગયા હતા. ઘટનાસ્થળથી ૩૦૦ મીટર દૂર આવેલી ઓરડીઓના દરવાજા અને પંખા તૂટી ગયા હતા, જ્યારે નજીકના ખેતરમાં ઉભો પાક પણ સળગી ગયો હતો. ઘટના સમયે જ ત્રણ માસૂમ બાળકો સહિત નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.


આ ગોઝારા બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ફેક્ટરીમાં કામ કરતી માતા અને તેના ચાર માસૂમ બાળકોના પાર્થિવ દેહ જ્યારે વતન પહોંચ્યા ત્યારે સમગ્ર ગામમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા વ્યાપી ગઈ હતી. આ બાળકોના પિતા પોતે પણ ગંભીર રીતે દાઝી જતાં હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત પિછોડા ગામના એક દંપતી પણ આ જ ફેક્ટરીમાં મજૂરી કામ કરતું હતું, જેઓ દાઝી જતાં અમદાવાદમાં સારવાર હેઠળ છે.


દસ લોકોના મોત બાદ ઊંઘમાંથી જાગેલા તંત્રએ બનાવના ૨૪ કલાકમાં જ ઘટનાસ્થળે આવેલી ગેરકાયદે ફેક્ટરીના બાંધકામ પર બુલડોઝર ફેરવી દઈને તેને જમીનદોસ્ત કરી દીધું હતું. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં વિના લાયસન્સે ચાલતી અન્ય બે ફટાકડા ફેક્ટરીઓને પણ તુરંત સીલ કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. જોકે, આ એસઆઈટીમાં માત્ર પોલીસ વિભાગના જ અધિકારીઓ રાખવામાં આવ્યા છે અને અન્ય કોઈ ટેકનિકલ કે વહીવટી વિભાગના અધિકારીનો સમાવેશ ન કરાતાં અનેક સવાલો પણ ઊભા થયા છે.

મેહુલ ડોડિયા અને સાદિકના રિમાન્ડ મંજૂર

પોલીસે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદને કોર્ટ સમક્ષ રજૂ કરીને સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.આર.ઠાકુરની કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application