પવિત્ર અધિક માસ અને અગિયારસના પાવન અવસરે માણાવદરના સુપ્રસિદ્ધ 'બે પોઠિયાવાળા' ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભકિતના આ વિશેષ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર દિવ્ય રોશની અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું. સ્વર્ગસ્થ રેખાબા નિર્મળસિંહ ચુડાસમાની સ્મૃતિમાં અને તેમના પરિવારના સહયોગથી આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં ભગવાન શિવના સાનિધ્યમાં ૧૦૮ દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. સાંજના સમયે એકસાથે પ્રગટેલા ૧૦૮ દીવાઓના દર્શન કરીને શિવભકતો ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠું હતું. દીપમાળાના પાવન દર્શનની સાથે–સાથે આ પ્રસંગે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.