નાયબ કલેક્ટરે માણાવદરના દેશીંગા અને ભીતાણા ગામની લીધી મુલાકાત: દફતર અને સસ્તા અનાજની દુકાનોની તપાસ કરી
નાયબ કલેક્ટરે માણાવદરના દેશીંગા અને ભીતાણા ગામની લીધી મુલાકાત: દફતર અને સસ્તા અનાજની દુકાનોની તપાસ કરી
October 02, 2026 10:09 AM
વંથલી નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુળાએ માણાવદર તાલુકાના દેશીંગા અને ભીતાણા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બંને ગામોમાં ચાલી રહેલી વિવિધ સરકારી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું તેમજ ગ્રામ્ય સ્તરની વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે અધિકારી-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરે પંચાયત કચેરીના સામાન્ય દફતર તથા વિવિધ રજિસ્ટર અને રેકોર્ડની ચકાસણી કરી હતી. આ સાથે તેમણે ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનની પણ તપાસ હાથ ધરી હતી, જેમાં સરકારી નિયમો મુજબ વિતરણ વ્યવસ્થા ચાલે છે કે નહીં તેની વિગતો મેળવી હતી. તેમણે દુકાન સંચાલકને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને કાર્ડધારકો તેમજ લાભાર્થીઓને કોઈપણ અગવડ વિના પારદર્શક રીતે અનાજનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત નાયબ કલેક્ટરે બંને ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજી સ્થાનિક પ્રશ્નો તથા પાયાની જરૂરિયાતો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગામના વિકાસ કાર્યોને વેગ આપવા અને પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી યોગ્ય દિશાનિર્દેશ આપ્યા હતા.