રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ પૂરતું જ ઈન્ટરનેશનલ હોય તેમ અવારનવાર વિવાદોથી ઘેરાયેલું રહે છે. તાજેતરમાં જ એટલે કે 12 ઓક્ટોબરે હિરાસર એરપોર્ટમાં ડિરેક્ટર ધનંજય કુમાર સિંઘે ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ 24 દિવસમાં જ તેમને ડાયરેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમને રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના કોમર્શિયલ વિભાગમાં મુકી દેવાયા છે.
શું છે સમગ્ર મામલો
28 ઓક્ટોબરે રન-વે પર પક્ષીઓ ઉડાવવા માટે ફટાકડા ફોડાતા ત્યાં સુકા ઘાસમાં આગ લાગી હતી. આ જ સમયે દિલ્હીથી એર ઈન્ડિયાની 100 મુસાફરો સાથેની ફ્લાઈટ ઉતરાણ માટે પ્રયાસ કરી રહી હતી. પરંતુ લેન્ડિંગ મંજૂરી ન મળતા હવામાં બે ચક્કર મારી અંતે વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં સિવિલ એવિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી સમીરકુમાર સિંઘા પણ સવાર હતા, જેઓ કેશોદ નવા એરપોર્ટના ઈન્સ્પેક્શન માટે આવી રહ્યા હતા. ઉચ્ચ અધિકારીને લેન્ડિંગ સમયે કડવો અનુભવ થતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
તાજેતરમાં જ એરપોર્ટના કાર્ગો વિભાગમાં પાણીની પાઈપ લીક થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે કામીગીરી ઠપ્પ થતી બે લાખ રૂપિયાનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નહોતો. આ માટે પણ ધનંજય કુમાર સિંઘ જવાબદાર હોવાનું એરપોર્ટના સુત્રોએ જણાવ્યું છે.
અંદાજે રૂ. ૨,૬૫૪ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નબળી જાળવણી અને પાયાની ખામીઓની ભરમાર સામે આવી રહી છે. એરપોર્ટના મહત્વના ગણાતા કાર્ગો સેક્ટરમાં પાણીના ગંભીર લીકેજની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પાઇપલાઇનમાંથી અવિરતપણે પાણી લીક થવાને કારણે આખો કાર્ગો ફ્લોર પાણીથી જળબંબાકાર થઈ ગયો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ એરપોર્ટ પર આવી પ્રાથમિક સ્તરની સમસ્યાઓ ઊભી થવી તે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા હતા.
સમસ્યાની ગંભીરતા એટલી હદે વધી ગઈ હતી કે લીકેજનું પાણી સીધું જ ઇલેક્ટ્રિક બોર્ડ અને વાયરિંગ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે કર્મચારીઓની સુરક્ષા અને જાનમાલના જોખમને ધ્યાનમાં રાખીને તત્કાલ અસરથી કાર્ગો લોડિંગ અને અન્ય મહત્વની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કામગીરી બંધ રહેવાને કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન જેટલો મહત્વનો માલ સમયસર લોડ થઈ શક્યો નહોતો, જેને કારણે વેપારીઓ અને એરલાઇન્સ કંપનીને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
એરપોર્ટની કથળેલી સ્થિતિ અંગે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્થાનિક બસ સ્ટેશનમાં જે પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અને બેસવા-ઉઠવાની વ્યવસ્થા મળે છે, તેવી સામાન્ય સુવિધા પણ રાજકોટના આ કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ પર મળતી નથી. પીવાના પાણીથી માંડીને બેસવાની ક્ષમતા અને ડિજિટલ સુવિધાઓના મામલે એરપોર્ટ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે.
આ ઉપરાંત, ડિક્રિઝ થયેલા ડી.કે. સિંઘના કાર્યકાળ દરમિયાન એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણી ભરાઈ ગયાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે આ બંને ઘટનાઓ માટે સિવિલ ડિપાર્ટમેન્ટ જવાબદાર હોવા છતાં એરપોર્ટ ડિરેક્ટર સામે ગાજ પડતા સ્ટાફમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
ડાયરેક્ટરનું ડિગ્રેડેશન અને ચાર્જમાં ફેરફાર
અગાઉ રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહની બદલી થતાં, જામનગર એરપોર્ટ પર ડીજીએમ કોમર્શિયલ તરીકે ફરજ બજાવતા ધનંજયકુમાર સિંઘને પ્રમોશન આપીને ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરની ઘટના બાદ તેમને ડિગ્રેડ કરીને એરપોર્ટ પર કોમર્શિયલ વિભાગના હેડ તરીકે મૂકી દેવામાં આવ્યા છે. તેમની ખાલી પડેલી જગ્યા પર સીએનએસ વિભાગના સંજય અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે સંજય અગ્રવાલ આગામી ૧૨ નવેમ્બર સુધી રજા પર હોવાથી, તેમની ગેરહાજરીમાં એટીસી (ATC) વિભાગના અધિકારી ભાસ્કર સૌદાગરને કાર્યકારી ડિરેક્ટર તરીકેનો હવાલો સોંપાયો છે.