BREAKING NEWS

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર યોજાશે દિવાલી કાર્નિવલ, ધનતેરસે 1200થી વધુ ફટાકડાની આતશબાજી; ટેન્ડર પ્રક્રિયા શરૂ

  • October 22, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે રેસકોર્સ રિંગ રોડ ઉપર બારસથી દિવાળી સુધી ચારદિવસીય ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રિંગરોડને રંગબેરંગી રોશનીથી ઝગમગતો બનાવવાની સાથે ડી.જે.મ્યુઝિકની જમાવટથી અનેરો માહોલ સર્જાશે. રંગોળી સ્પર્ધા,ભવ્ય આતશબાજી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. હાલ આતશબાજી માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીના તહેવારોમાં શહેરીજનોને મનોરંજનનો અનોખો અનુભવ કરાવવા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આગામી તા.૬ નવેમ્બરે ધનતેરસના પાવન અવસરે સાંજે ૭ વાગ્યે રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષોથી દિવાળીના તહેવાર નિમિત્તે રેસકોર્સ ખાતે આતશબાજી યોજવાની પરંપરા જાળવવામાં આવી છે. આ વર્ષે પણ આકાશમાં રંગબેરંગી રોશનીનો અદ્ભુત નજારો સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આતશબાજી દરમિયાન ૧૨૦૦થી વધુ ફટાકડાના ઉપયોગથી આકાશમાં અવનવી રંગોળી રચાશે. રંગબેરંગી ફટાકડાની ઝાકઝમાળ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આતશબાજીમાં ૨૦૦ ફૂટના નાયગ્રા ફોલ્સથી લઈ મ્યુઝિકલ શોટ સુધીનાં આકર્ષણો તેમજ ૨૦૦ કોમેટ, ૨૦૦ માઇન્સ અને ૭૦૦ એરિયલ શોટ ઉપરાંત ૨૪૦ મલ્ટીકલર શોટની ૧૦, ૧૨૦ મલ્ટીકલર શોટની ૧૦, ૧૦૦ ક્રેકલિંગ શોટની ૪, ૧૦૦ મ્યુઝિકલ શોટની ૪ તથા ૧૦૦ સાયરન શોટની ૪ આઇટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. હેપ્પી દિવાલી નામનું રોશનીથી ઝળહળતું બોર્ડ, પીકોક, થ્રી ઇન વન ખજૂરી, સૂર્યમુખી, પામ ટ્રી, ગોલ્ડન સ્ટાર, ઇલેક્ટ્રિક ખજૂરી અને અશોક ચક્ર જેવા વિશેષ આકર્ષણ જોવા મળશે. બિગ સ્પાર્કલ્સની પાંચ પેકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રિંગરોડ પર રોશનીનો ઝગમગાટ જોવા મળશે. ખાસ કરીને રંગોળી સ્પર્ધાથી દિવાળીની ઉજવણી વિશેષ બનશે. આ વર્ષે રાજકોટમાં દિવાળીના પર્વને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા ચાર દિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. બારસથી દિવાળી સુધી શહેરમાં ઉત્સવનો માહોલ છવાયેલો રહેશે. રિંગરોડને આકર્ષક લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. સાથે રંગોળી સ્પર્ધા, આતશબાજી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ આયોજન થકી શહેરીજનોને દિવાળીના પર્વ દરમિયાન વિશેષ ઉત્સવી માહોલનો આનંદ માણવાની તક મળશે.

રેસકોર્સ ખાતે યોજાનારા ભવ્ય આતશબાજી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રવેશ માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

આમંત્રિત મહાનુભાવોને રેસકોર્સ સંકુલમાં આવેલા વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસેના જીમ તરફ જતા રસ્તેથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

જ્યારે કોર્પોરેટરો તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ માટે બહુમાળી ભવન સામેથી ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયન તરફ જતા રસ્તેથી પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે.

જાહેર જનતા માટે બહુમાળી ભવન સામેના ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા રસ્તેથી તેમજ શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ તરફથી ક્રિકેટ સ્ટેડિયમના ગેટ મારફતે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવશે.


અગાઉ ગેલેક્સી સહિતના એપાર્ટમેન્ટ્સએ લાઇટ્સ-બેફામ મ્યુઝિક સામે વિરોધ કર્યો'તો

જન્માષ્ટમીનો લોકમેળો હોય કે દિવાળી કાર્નિવલ હોય રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા હાઇરાઇઝ એપાર્ટમેન્ટ્સમાંથી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા તેમજ ફ્લેટની અંદર સુધી પડતી ડિસ્કો ફ્લેશિંગ લાઇટ્સ અને ડી.જે.મ્યુઝિકના બેફામ ઘોંઘાટ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અગાઉ ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોએ આ મામલે વિરોધ કર્યો હતો. આ વર્ષે કાર્નિવલમાં લાઈટ્સ ફ્લેટની અંદર ન પડે તેમજ એપાર્ટમેન્ટના દરવાજા પાસે મહાપાલિકા ડેકોરેટિવ મંડપ કે સાઉન્ડ સિસ્ટમના સ્ટીરિયો ગેલેક્સી એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પાસે ન મૂકે તેવી ફ્લેટધારકોની માંગ હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application