#teamaajkaal
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ લશ્કરી દ્રષ્ટિએ હવે પ્રભાવી રીતે પૂરું થઈ ચૂક્યું છે. કતારના વડા પ્રધાન સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે રાહતની લાગણી ફેલાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સંજોગોમાં અમેરિકાનો ઈરાન પર વધુ સૈન્ય હુમલા કરવાનો કોઈ ઈરાદો નથી.
ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોશિંગ્ટને ઈરાન મામલે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે અને હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, આ સાથે તેમણે એમ પણ ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં કોઈ વિપરિત પરિસ્થિતિ ઉભી થશે તો અમેરિકી સેના સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ રહેશે.
અમેરિકાના આ વલણ પાછળ કતારની મધ્યસ્થી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કતારના વડા પ્રધાન સાથે થયેલી આ બેઠક અગાઉ ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો અને શાંતિ સ્થાપવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે, જેથી ક્ષેત્રમાં કાયમી ધોરણે શાંતિ સ્થાપી શકાય.
આ અગાઉ બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી અને હોરમુઝની ખાડીમાં જહાજોની અવરજવરને લઈને ભારે તણાવ જોવા મળ્યો હતો. પરંતુ ટ્રમ્પની આ તાજેતરની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધના વાદળો હટી રહ્યા હોવાનો સંકેત મળ્યો છે અને વેપાર તથા તેલ સંચાલન ક્ષેત્રે પણ અનિશ્ચિતતા ઘટવાની આશા વ્યક્ત થઈ રહી છે.