જીટીયુના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.વૈભવ ભટ્ટની નિમણૂક
જીટીયુના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.વૈભવ ભટ્ટની નિમણૂક
August 03, 2026 03:16 PM
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), અમદાવાદના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે ડૉ. વૈભવ ડી. ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગના ઉપ સચિવ જયદેવસિંહ કે. વાઘેલાની સહી સાથે આજે આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક્ટ, ૨૦૦૭ની કલમ ૧૧ (૭) હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરીને રાજ્યપાલના હુકમથી આ નિર્ણય લેવાયો છે. ડૉ. વૈભવ ભટ્ટ હાલમાં જીટીયુની 'સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી'ના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક ન થાય અથવા અન્ય કોઈ આદેશ ન છૂટે ત્યાં સુધી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકેનો ચાર્જ સંભાળશે.