સુરેન્દ્રનગરમાં સામે આવેલા બહુચર્ચિત 1500 કરોડના જમીન કૌભાંડ મામલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ કેસમાં સંડોવાયેલા તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલના પીએ જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ચેતન કણઝરિયાને ઇડીનું તેડું આવ્યું છે. આ તમામને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
આ જમીન કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઠેકાણે અગાઉ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઇડીએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક સંજય અને પટ્ટાવાળા નીતિનની ધરપકડ કરી હતી. આ બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી છે. ગઈકાલે વહેલી સવારે ઇડી દ્વારા તેમની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા અને પુરાવાઓના આધારે તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. જમીનના ટાઈટલ ક્લિયરન્સ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં મોટી રકમની લાંચ લેવામાં આ કર્મચારીઓની ભૂમિકા હોવાની શંકા સેવાઈ રહી છે. આ કાર્યવાહીથી કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
1500 કરોડના જમીન બિનખેતી કરાવવાના કૌભાંડ મામલે બે જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ચાર જાન્યુઆરીના રોજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં પાંચ જાન્યુઆરીના રોજ આ મામલે તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની સીટની રચના કરવામાં આવી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં રાજેન્દ્ર કુમાર પટેલે દસ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબીમાં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.