કચ્છ જિલ્લાની ધરા આજે વહેલી સવારે ધ્રુજી ઉઠી હતી. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની વેબસાઈટ મુજબ, વહેલી સવારે 4.30 વાગ્યે રાપર નજીક 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં નોંધાયું હતું. તેમજ ભૂકંપની ઊંડાઈ જમીનમાં 5.2 કિલોમીટર અંદર હતી.
લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો
મળતી માહિતી મુજબ, વહેલી સવાર હોવાથી લોકો ઊંઘી રહ્યાં હતા. આવી સ્થિતિમાં જોરદાર આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો રાપર સહિત વાગડના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો. આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ગેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ હતી. બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા. જોકે જાનમાલને કોઈ નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં અવારનવાર ભૂકંપના ચારની તીવ્રતા સુધીના આંચકા અનુભવાય છે. એક સર્વેક્ષણ મુજબ કચ્છમાં આશરે એક વર્ષમાં અંદાજિત 81 જેટલા આવા આંચકા અનુભવાયા છે.
બે દિવસ પહેલા 3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા એટલે કે 24 ડિસેમ્બરે પણ સવારે 10.49 વાગ્યે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાથી 10 કિલોમીટર દૂર કરમરિયા ગામ નજીક નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા આ આંચકાની તીવ્રતા 3.0 નોંધવામાં આવી હતી. જોકે, સ્થાનિક કક્ષાએ તેની ખાસ કોઈ અસર વર્તાઈ ન હતી, પરંતુ ધરતી ધ્રુજવાના સમાચારથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
13 ડિસેમ્બરે 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
કચ્છ જિલ્લો હાઈ સિસ્મિક રિસ્ક ઝોન (ભૂકંપના ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તાર)માં આવે છે, જ્યાં ઓછી તીવ્રતાના ભૂકંપ નિયમિતપણે આવતા રહે છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અગાઉ પણ હળવા આંચકા નોંધાયા હતા. ગત 13 ડિસેમ્બરના રોજ પણ 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
કચ્છમાં આવેલી 'વાગડ ફોલ્ટ લાઈન' સક્રિય
કચ્છમાં આવેલી 'વાગડ ફોલ્ટ લાઈન' સક્રિય હોવાને કારણે ભચાઉ અને રાપર વચ્ચેના વિસ્તારમાં આવા આંચકા વારંવાર અનુભવાય છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (આઈએસઆર) અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ, ગુજરાતના પેટાળામાં અનેક ફોલ્ટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે. આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ એક મહિના પહેલા આવ્યું હતું.
દર વર્ષે આશરે 81 ભૂકંપ અનુભવાયા
આ અહેવાલ મુજબ, સંશોધકોએ 2008થી 2024 સુધી નોંધાયેલા 1,300થી વધુ ભૂકંપનું વિશ્લેષણ કર્યું હતું. આનો અર્થ એ થયો કે આ 16 વર્ષ દરમિયાન, આ પ્રદેશમાં દર વર્ષે આશરે 81 ભૂકંપ અનુભવાયા હતા. આ ડેટા 56 કાયમી અને 20 કામચલાઉ ભૂકંપ મથકો પરથી મેળવવામાં આવ્યો હતો. આ પૃથ્વીના સિટી સ્કેન દ્વારા ગુજરાતની નીચેની ભૂકંપની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી અને ટેક્ટોનિકલી સક્રિય વિસ્તારોની ઓળખ કરવામાં આવી હતી.