BREAKING NEWS

રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 21 ઓક્ટોબરે ચૂંટણી, 12 બેઠક માટે ભાજપમાં 300 દાવેદાર

  • September 17, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં ગત તા.૨૮ મે ૨૦૨૬ના રોજ નવા પદાધિકારીઓની ટીમે શાસનધૂરા સંભાળ્યાના સાડા ત્રણ મહિના પછી અંતે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકોની ચૂંટણી જાહેર થઇ છે. આજથી નિયુક્તિ પત્રો સ્વીકારવાનું શરૂ કર્યું છે અને આગામી તા.૨૧ ઓક્ટોબરે ચૂંટણી અને મત ગણતરી થશે. વાર્ષિક રૂ.૧૦૦ કરોડથી વધુ રકમનું બજેટ ધરાવતી સમિતિમાં સભ્યપદ મેળવવા અનેક રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉત્સુક હોય ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વિશેષમાં રાજકોટના મેયર અને નિર્વાચન અધિકારી મેયર ડો.નેહલ શુક્લએ જણાવ્યા મુજબ, મુંબઈ રાજ્યના પ્રાથમિક કેળવણીના કાયદાની કલમ-૩(૨) મુજબ તથા પ્રાથમિક કેળવણીના કાયદા અન્વયે ઘડાયેલ નિયમો પૈકી શેડ્યુલ "અ" મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે જુદી જુદી કેટેગરીની કુલ ૧૨ બેઠકો ભરવા માટે આજે તા.૧૭.૯.૨૦૨૬થી નિયુક્તિ પત્રો (નોમિનેશન પેપર્સ) મેળવવાથી શરૂ કરીને તા.૨૧.૧૦.૨૦૨૬ના રોજ ચૂંટણીના મતોની ગણતરી-પરિણામ જાહેર થશે.


ઓહો..૧૨ બેઠક માટે ભાજપમાં ૩૦૦ દાવેદાર

રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકની ચૂંટણી થનાર છે તે માટે ભાજપમાં ૩૦૦થી વધુ દાવેદારોએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ડો.માધવભાઇ દવે સમક્ષ લેખિત દાવેદારી રજૂ કરી છે ત્યારે પક્ષ હવે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. મહાપાલિકાની ચૂંટણીમાં જે સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી તેમજ અન્ય અમુક પ્રબળ દાવેદારોને ટિકિટ અપાઇ ન હતી, તેઓને જે તે સમયે શિક્ષણ સમિતિમાં લેવાનું વચન અપાયું હોય કાર્યકરોની અપેક્ષા વધી ગઇ છે.


સંખ્યાબળ અનુસાર એક બેઠક કોંગ્રેસને મળશે

રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકની ચૂંટણીમાં સંખ્યાબળ અનુસાર એક બેઠક વિરોધ પક્ષ કોંગ્રેસને મળી શકે તેમ છે. કુલ ૭૨ કોર્પોરેટર ૧૨ બેઠક માટે મતદાન કરશે અને છ કોર્પોરેટર દીઠ એક સભ્ય ચૂંટાતા હોય છે. હાલ ૧૮ વોર્ડના કુલ ૭૨ કોર્પોરેટરોમાં ૬૫ ભાજપના અને ૭ કોંગ્રેસના છે. આથી કોંગ્રેસના એક સભ્ય આસાનીથી ચૂંટાઇ આવશે તેવી આશા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application