BREAKING NEWS

નવેમ્બર પૂરો છતાં ઠંડી નહિવત, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ કડકડતી ઠંડીની શક્યતા નથી

  • November 23, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ શિયાળાની ઠંડીનો અહેસાસ થવા લાગે છે, પરંતુ આ વર્ષે હવામાનની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં અપેક્ષા મુજબ ઠંડી પડી નથી. દિવસની સાથે રાત્રિના તાપમાનમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના મોસમી અનુમાન મુજબ, આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પણ ઠંડીનો ચમકારો નબળો રહેવાની શક્યતા છે.



હવામાન વિભાગના નવેમ્બર મહિનાના અનુમાન પ્રમાણે, દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઊંચું રહેવાના સંકેતો છે. એટલે કે દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ ઓછો થઈ શકે છે. હિમાલયની તળેટીના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના મોટા ભાગમાં ઠંડીની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહી છે. નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



આઈએમડીના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં સક્રિય અત્યંત મજબૂત અલ નીનોની સ્થિતિ હવામાનમાં જોવા મળી રહેલા અસામાન્ય ફેરફારનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સમુદ્રના તાપમાનમાં સતત વધારો થવાથી વૈશ્વિક વાતાવરણ અને ભારતમાં ઠંડીની સામાન્ય પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે 1 નવેમ્બર, 2024ના રોજ દેશનું સરેરાશ તાપમાન વર્ષ 1901 પછી ત્રીજું સૌથી વધુ નોંધાયું હતું.



હવામાન વિભાગના મોસમી પૂવર્નિુમાન મુજબ, ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાના સંકેતો અગાઉથી જ આપવામાં આવ્યા છે. જોકે, હિમાલયના ઉત્તરીય વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. આ અનુમાનને જોતા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીની શક્યતા ઓછી દેખાઈ રહી છે.


શિયાળાની ઋતુમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની અસર ખેતી અને લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. રવિ સિઝનમાં ઘઉં, ચણા અને સરસવ જેવા પાકની વૃદ્ધિ તથા ઉત્પાદનમાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ મચ્છરજન્ય અને શ્વાસ સંબંધિત બીમારીઓની મોસમ લાંબી ખેંચાવાની શક્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application