યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આવતીકાલથી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષાઓ શરૂ થશે. કુલ 50,000 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 115 કેન્દ્રમાં પરીક્ષા આપશે. 50,000 જેટલા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના એટલે કે 25,000 જેટલા વિદ્યાર્થીઓ માત્ર બી એ અને બીકોમના જ છે.
અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ત્રણ અને સનાતક કક્ષાની સેમેસ્ટર પાંચ ની આ પરીક્ષામાં બી.એ સેમેસ્ટર 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ નોંધાયા છે. બીકોમ સેમેસ્ટર પાંચમાં રેગ્યુલરમાં 11,980 અને એક્ટ્રનલમાં 385 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે જુદી જુદી ટુકડીઓ ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોલેજોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે તેવી કોલેજોને જ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. કુલ અલગ અલગ 37 વિષય ની પરીક્ષા આવતી કાલથી શરૂ થઈ રહી છે. નવા કુલપતિ માટેની આ પ્રથમ પરીક્ષા છે અને તેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતું આયોજન હવે કેવું સફળ રહે છે તે જોવાનું રહેશે.
જીકાસની સિસ્ટમના કારણે પ્રવેશની પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી, હજારો વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ હજુ બાકી છે. પરીક્ષા આવીને ઊભી રહી ગઈ છે. દિવાળીના વેકેશન પહેલા જ આ પરીક્ષાનું શેડ્યુલ જાહેર કરી દેવાયું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓને વેકેશનમાં પણ તૈયારીની પૂરી તક મળી હતી.