રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.૧૭ ઑક્ટોબરને શનિવારે સવારે ૧૧ વાગ્યે મેયર ડો.નેહલભાઈ શુક્લના અધ્યક્ષસ્થાને મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં ફૂડ સેફ્ટી અને શહેરની સ્વચ્છતા અંગેના નિયમોને વધુ કડક બનાવતી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ખાસ કરીને ભેળસેળ સામે આક્રમક વલણ દાખવનાર મેયર ડો.નેહલ શુક્લ દ્વારા હવે ભેળસેળ આચરનારા મામૂલી દંડ ભરીને છટકી ન જાય તે માટે મોટી રકમનો દંડ વસુલવા તેમજ એફ. આઇ.આર.નોંધાવવા સહિતના કડક પગલા લેવા રાજ્ય સરકારને દરખાસ્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવશે તેમ જાણવા મળે છે. અલબત્ત આ હજુ રાજ્ય સરકારને પ્રસ્તાવ રજૂ કરવાની વાત છે, અમલ ક્યારથી થશે તે જોવાનું રહેશે.
જનરલ બોર્ડ મિટિંગના આજરોજ પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં એવા મતલબની દરખાસ્ત રજૂ કરાઇ છે કે, રાજયમાં ખાદ્ય પદાર્થોમાં વધતી ભેળસેળ, હલકી ગુણવત્તા તથા જાહેર આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોના વેચાણ સામે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ની સજા અને દંડની જોગવાઈઓ વધુ કડક બનાવવા તથા તેના અસરકારક અમલ માટે જરૂરી કાયદાકીય અને વહીવટી સુધારા કરવા અંગે કાયદો અને નિયમોની સમિતિ ઠરાવ નં.૪ તા.૮/૧૦/૨૦૨૬ લક્ષમાં લઈ નિર્ણય લેવા બાબત. આ દરખાસ્ત અંગે નિર્ણય કર્યા બાદ સરકારમાં મોકલવામાં આવશે.
રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ,હલકી ગુણવત્તાવાળા તેમજ જાહેર આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે હાલ નાશ, દંડ અને નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, આવી કાર્યવાહી પૂરતી અસરકારક સાબિત થતી નહીં હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની પ્રવૃત્તિ યથાવત્ રહેતી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
આથી મહાનગરપાલિકાની કાયદા અને નિયમોની સમિતિ દ્વારા ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળની સજા અને દંડની જોગવાઈઓ વધુ કડક બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ભેળસેળખોરો સામે ફોજદારી ફરિયાદ નોંધવાથી માંડીને મોટા દંડ અને કડક સજાની જોગવાઈ કરવા રાજ્ય સરકાર સમક્ષ ભલામણ મોકલવામાં આવશે.
બીજી તરફ શહેરની સ્વચ્છતા અને ઘન કચરાના યોગ્ય નિકાલ માટે સેનિટેશન કમિટી દ્વારા પણ આકરા નિયમોની દરખાસ્ત મુકાઈ છે. ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૫ અંતર્ગત રાજ્ય સરકારે તૈયાર કરેલા મોડેલ બાયલોઝનો રાજકોટ મહાનગરપાલિકામાં અમલ કરવા નિર્ણય લેવામાં આવશે.
નવી વ્યવસ્થા હેઠળ કચરાનું ફરજિયાત વર્ગીકરણ કરવા ઉપરાંત મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતી સોસાયટીઓ તથા સંસ્થાઓએ કચરાના નિકાલની વ્યવસ્થા માટે નિયત ખર્ચ ચૂકવવો પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ રહેશે.
આમ, રાજકોટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે નિયમો વધુ કડક બનાવવાની દિશામાં મહાનગરપાલિકા આગળ વધી રહી છે. સામાન્ય સભાના એજન્ડામાં વિવિધ વિકાસકાર્યો, મિલકત અને ઘન કચરા વ્યવસ્થાપન સહિતની કુલ આઠ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.