મોરબી તાલુકાના જેતપર ગામે આજે વીજ લાઈન નાખવાની કામગીરીને લઈને વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી જતાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપની દ્વારા કામગીરી ફરીથી શરૂ કરવામાં આવતા જ મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરવા માટે ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસને આખરે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
અણિયારી ટોલનાકે ચક્કાજામ: કચ્છ-અમદાવાદ હાઈવે થંભી ગયો
જેતપર અને તેની આસપાસના અન્ય ગામના રોષે ભરાયેલા ખેડૂતો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ અણિયારી ટોલનાકે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. આંદોલનકારીઓએ કચ્છ-અમદાવાદ હાઈવે સંપૂર્ણપણે ચક્કાજામ કરી દીધો હતો. હાઈવે બ્લોક થઈ જવાને કારણે રસ્તાની બંને સાઈડમાં પાંચ-પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. આ આંદોલનની ઉગ્રતા જોઈને આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનેક ખેડૂતો આ ચક્કાજામમાં સમર્થન આપવા માટે જોડાવા લાગ્યા હતા.
પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ: મહિલા આંદોલનકારી બેભાન
ઘટનાની વિગત એવી છે કે જ્યારે વીજ કંપનીએ પોલીસના મોટા કાફલા સાથે કામગીરી શરૂ કરી, ત્યારે મહિલાઓએ પણ રસ્તા પર ઉતરીને મોરચો સંભાળ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓની મોટી સંખ્યામાં અટકાયત કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે મામલો વધુ ગરમાયો હતો. આ અટકાયત અને ખેંચતાણ દરમિયાન એક મહિલા આંદોલનકારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ખેડૂતોનો આક્રોશ બેવડાયો હતો અને પોલીસ તેમજ આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
આખરે પોલીસે કર્યો લાઠીચાર્જ: ચક્કાજામ સમેટાયો
ટોલનાકે એકત્રિત થયેલા ખેડૂતો હાઈવે પરથી ખસવા તૈયાર ન હોવાથી શરૂઆતમાં પોલીસે સમજાવટથી કામ લઈને ખેડૂતોને રોડની એક તરફ ખસેડ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડી જ વારમાં રોષે ભરાયેલા ખેડૂતો ફરીથી રોડની વચ્ચે આવી ગયા હતા અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે મક્કમ વલણ અપનાવ્યું હતું અને લાઠીચાર્જ તેમજ બળપ્રયોગ કરીને તમામ વિરોધ પ્રદર્શનકારીઓને હાઈવે પરથી દૂર ખસેડ્યા હતા. પોલીસના આકરા વલણ બાદ આખરે ચક્કાજામ સમેટાઈ ગયો છે અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો છે. હાલ તમામ ખેડૂતો જેતપર ગામ ખાતે પરત ફર્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે, પરંતુ ગામમાં હજી પણ સુષુપ્ત તણાવ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.