ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ અને કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી સ્થિતિને લઈને સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ચર્ચા થઈ હતી. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અમિત ચાવડાએ સભાગૃહમાં મુદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે વરસાદની અછતના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાક સુકાઈ રહ્યા છે. તેમણે રાજ્યમાં સત્તાવાર રીતે અછત કે દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને મળતી સહાયમાં વધારો કરવાની રજૂઆત કરી હતી.
અમિત ચાવડાએ આપત્તિ દરમિયાન ચૂકવવામાં આવતી કેશ ડોલ્સ તેમજ ઘરવખરી સહાયના નિયત દરોમાં તાત્કાલિક વધારો કરવાની પણ માંગ કરી હતી. તેમના મતે, હાલની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને વર્તમાન સહાય કરતાં વધુ આર્થિક રાહતની જરૂર છે.
વિપક્ષની માંગનો જવાબ આપતાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નિયમ મુજબ ચોમાસાની સમગ્ર ઋતુ પૂર્ણ થયા બાદ પંચાયત અને કૃષિ વિભાગ દ્વારા વરસાદ તથા પાક નુકસાનીનો વૈજ્ઞાનિક સર્વે કરવામાં આવશે. સર્વેના સત્તાવાર આંકડા અને વિશ્લેષણના આધારે જ અછતગ્રસ્ત તાલુકા કે ગામ અંગે નિર્ણય લેવાશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે સર્વે પૂર્ણ થવાની રાહ જોતા પહેલાં જ જરૂરી પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ઘાસચારો, સિંચાઈનું પાણી, પીવાનું પાણી અને વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે.
ગૃહમાં કેશ ડોલ્સ અને પશુધન સહાય અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર કુદરતી આપત્તિની સ્થિતિમાં ઝડપી નિર્ણય લઈ રહી છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈ માટે વધારાનું પાણી છોડવાની કામગીરી તેમજ પશુધન માટે ઘાસચારા ડેપોની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા વીજ પુરવઠો નિયમિત રાખવાની પણ ખાતરી આપવામાં આવી છે.