રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આંતરિક બદલીઓનો દોર યથાવત રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ કરીને શહેરના જુદા જુદા પોલીસ મથકો તથા વિશેષ શાખાઓમાં ફરજ બજાવતા 17 જેટલા બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની અરસપરસ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ આદેશને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
બદલી પામેલા અધિકારીઓમાં રાજકોટ તાલુકા પોલીસ મથકના પી.જી. આલને પ્રોસીક્યુશન સેલમાં, બી.આર. ભરવાડને પ્ર.નગર પોલીસ મથકે અને એમ.આઈ. શેખને બી-ડિવિઝન પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે. જ્યારે AHTUના આર.કે. ગોહિલને એસઓજીમાં અને થોરાળા પોલીસ સ્ટેશનના એમ.જી. સોલંકીને AHTU માં બદલી આપવામાં આવી છે. આ ઉપરાંત બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.આર. સોલંકીને એ-ડિવિઝનમાં, જ્યારે એ-ડિવિઝનના એચ.જે. સોલંકીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાઈ છે.

ટ્રાફિક શાખાના અધિકારીઓમાં એસ.એમ. સૈયદને કુવાડવા રોડ, કે.એસ. ભગોરાને બી-ડિવિઝન અને આઈ.આઈ. કટીયાને રીડર ટુ ડીસીપી ટ્રાફિક તરીકે મૂકાયા છે. તેમની સામે રીડર ટુ ડીસીપી ટ્રાફિક એસ.એમ. વઘાસીયાને થોરાળા પોલીસ મથકની જવાબદારી સોંપાઈ છે. કુવાડવા રોડના આર.કે. સામુદ્રેને ટ્રાફિક શાખામાં મોકલાયા છે.
અન્ય મહત્વપૂર્ણ બદલીઓમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના એસ.એસ. જાડેજાને ગાંધીગ્રામ-2 (યુનિ.), પ્ર.નગરના જે.એન. ગમારાને રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ-2ના બી.એસ. ચૌહાણને આજીડેમ, મહિલા પોલીસ મથકના યુ.કે. બાંભણીયાને કુવાડવા રોડ અને રીડર ટુ મ.પો.કમિ. ઝોન-2 ટ્રાફિકના એમ.બી. રામાણીને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મૂકવાનો આદેશ કરાયો છે. શહેરના તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થઈ રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.