BREAKING NEWS

સુરતમાં સગીરાના મોતના 2 વર્ષે ચોંકાવનારો ખુલાસો: મૃત્યુ પહેલાં સાવકા બાપે જ આચર્યું'તું દુષ્કર્મ, DNA ટેસ્ટથી ભાંડો ફૂટ્યો

  • September 09, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન 2024માં બનેલી 13 વર્ષીય સગીરાના શંકાસ્પદ મોતની ઘટનામાં 2 વર્ષ બાદ અત્યંત ચોંકાવનારો અને માનવતાને શરમસારે કરે તેવો ઘટસ્ફોટ થયો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં સગીરા સાથે મોતના થોડા સમય પહેલાં જ દુષ્કર્મ આચરાયું હોવાનો ખુલાસો થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વૈજ્ઞાનિક પુરાવા અને DNA પ્રોફાઇલિંગના આધારે હાથ ધરેલી તપાસમાં કુકર્મ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતક સગીરાનો સાવકો બાપ જ હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, 8 જૂન 2024ના રોજ મૃતક સગીરાના ભાઈએ અઠવાલાઈન્સ પોલીસ મથકે જાણ કરી હતી કે તેની બહેનને અચાનક ઉલ્ટીઓ થયા બાદ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સહિતના નમૂના એફએસએલ (FSL) માં મોકલવામાં આવ્યા હતા.

બનાવના બે વર્ષ બાદ નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ તરફથી અઠવાલાઈન્સ પોલીસને ફાઈનલ 'કોઝ ઓફ ડેથ' સર્ટિફિકેટ સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર સગીરાનું મોત ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ સાથે જ તેના ગુપ્ત ભાગો પર બળજબરીપૂર્વકના શારીરિક અત્યાચાર અને સીમેનના અવશેષો મળી આવ્યા હતા. બીમારીથી ઝઝૂમતી લાચાર માસૂમ સાથે મોતના થોડા સમય પહેલાં જ દુષ્કર્મ આચરાયું હોવાનું સાબિત થતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન મૂળ ખબર આપનાર મૃતકનો ભાઈ નેપાળ જતો રહ્યો હોવાથી સંપર્કવિહોણો બન્યો હતો. જેથી પોલીસે સગીરાની શાળા, તે જ્યાં કામ કરતી હતી તે દુકાનો અને પરિવારે બદલેલા તમામ ભાડાના મકાનોની મુલાકાત લઈ તપાસ લંબાવી હતી. સ્થાનિક પૂછપરછમાં જાણવા મળ્યું કે સગીરાનો 45 વર્ષીય સાવકો પિતા અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો હતો અને નશાની લતમાં ઘરમાં ઝઘડા કરતો હતો. શંકાના આધારે પોલીસે સાવકા પિતાના DNA સેમ્પલ લઈ પીએમ દરમિયાન મળેલા સીમેનના નમૂના સાથે મેચ કરાવતા પરિણામ 100 ટકા પોઝિટિવ આવ્યું હતું.

સુરત શહેર ડીસીપી નિધિ ઠાકુરે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "અઠવાલાઈન્સ વિસ્તારમાં જૂન 2024માં નોંધાયેલા અકસ્માતે મોતના કિસ્સામાં 2 વર્ષ પછી આવેલા ફોરેન્સિક રિપોર્ટમાં સગીરા સાથે શારીરિક શોષણ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સાવકા પિતાની અટકાયત કરી તેના DNA સેમ્પલ એફએસએલમાં મોકલ્યા હતા, જે રિપોર્ટ સાથે સંપૂર્ણ મેચ થઈ જતાં આ નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News