ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે બનેલી એક હૃદય કંપાવી દે તેવી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષમાં એક પિતાએ પોતાના પુત્રના પ્રાણ બચાવવા માટે જીવ જોખમે મૂકી હિંસક દીપડાનો સામનો કર્યો અને અંતે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને કારણે ગાંગડા ગામ સહિત સમગ્ર ઉના પંથકમાં આ સાહસિક પિતાની બહાદુરીની ચર્ચા થઈ રહી છે.
વન વિભાગે દીપડાનો મૃતદેહ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો
ઘટનાની જાણ થતાં જ જસાધાર આરએફઓ એલ.બી. ભરવાડ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરી પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો. ઉના પંથકમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારવાની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે.

દીપડાએ બાબુભાઈને પોતાની બાથમાં ભીડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ
ગાંગડા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં આરામ કરી રહ્યા હતા. અચાનક અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો અને સીધો બાબુભાઈ પર હુમલો કરી દીધો. દીપડાએ બાબુભાઈને પોતાની બાથમાં ભીડી લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને બચાવ માટે ચીસો પાડવા લાગ્યા હતા.
પિતાની ચીસો સાંભળી પુત્ર દોડી આવ્યો
પિતાની ચીસો સાંભળીને તેમના 27 વર્ષીય પુત્ર શાર્દુલભાઈ તુરંત જ રૂમમાંથી બહાર દોડી આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ હતી. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલભાઈ પર જીવલેણ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આથી પુત્રને દીપડાના જડબામાં જોઈને બાબુભાઈએ એક ક્ષણ પણ વિચાર્યા વગર ફરી વળતો પ્રહાર કરવાનો નિર્ણય લીધો હતો.

પિતાની હિંમત અને સાહસ સામે દીપડો હારી ગયો
ઘરની આસપાસ પડેલા ભાલા, દાતરડાના જેવા હથિયારોથી બાબુભાઈએ દીપડા પર જોરદાર હુમલો શરૂ કર્યો હતો. પિતા અને દીપડા વચ્ચે લોહિયાળ જંગ થઈ હતી. દીપડો ક્યારેક પિતા પર તો ક્યારેક પુત્ર પર હુમલો કરતો રહ્યો, પરંતુ અંતે પિતાની હિંમત અને સાહસ સામે દીપડો હારી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
બાબુભાઈને 50થી વધુ ટાંકા આવ્યા
આ હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક તેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાબુભાઈને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મેં જીવની પરવા કર્યા વગર દીપડાનો સામનો કર્યોઃ પિતા
હોસ્પિટલમાં સમગ્ર ઘટના વર્ણવતા બાબુભાઈ વાજાએ જણાવ્યું હતું કે, હું ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડો આવ્યો હતો. મેં તેને ભગાડવા હાકલ કરી તો તેણે મારા પર હુમલો કર્યો હતો. દીકરાને બચાવવા માટે મેં જીવની પરવા કર્યા વગર દીપડાનો સામનો કર્યો હતો.