ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્ય બજેટ રજૂ કરશે. બપોરે 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે અને પ્રશ્નોત્તરી કાળ બાદ લગભગ 1 વાગ્યે બજેટ રજૂ થવાની સંભાવના છે. આ વર્ષે બજેટનું કુલ કદ અંદાજે રૂ. 4.10 લાખ કરોડથી રૂ. 4.22 લાખ કરોડ વચ્ચે રહી શકે છે, જે રાજ્યના ઈતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, જેમાં ગૃહ વિભાગ, રમતગમત, MSME સહિતના વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો ઉઠાવશે. પ્રજાસંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ થવાની શક્યતા છે. સરકાર તરફથી આવક-જાવકના અંદાજ, નવી યોજનાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.
આવતા વર્ષના બજેટમાં રાજ્ય સરકાર GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) મોડેલને કેન્દ્રસ્થાને રાખી વિકાસનો માર્ગ દર્શાવશે તેવી ચર્ચા છે. ગરીબ કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટે નવી સહાય યોજનાઓ, આવાસ અને સ્વરોજગાર કાર્યક્રમોને વધુ ફાળવણી મળી શકે છે. સ્વ-સહાય જૂથો અને મહિલા ઉદ્યોગકારો માટે વિશેષ પેકેજ જાહેર થવાની સંભાવના છે.
શિક્ષણ ક્ષેત્રે રૂ. 60,000થી 62,000 કરોડ ફાળવાઈ શકે છે. સ્માર્ટ ક્લાસરૂમ, નવી યુનિવર્સિટીઓ અને ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ને વેગ મળશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ખાસ જોગવાઈથી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 27,000થી 29,000 કરોડ ફાળવાઈ શકે છે, જેમાં નવી મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પર ભાર રહેશે.
કૃષિ અને પશુપાલન માટે રૂ. 20,000થી 21,000 કરોડ ફાળવાઈ શકે છે. પ્રાકૃતિક ખેતી, નેનો ફર્ટિલાઇઝર સબસિડી અને ખેત-તલાવડી યોજના દ્વારા ખેડૂત આવક વધારવા પ્રયત્ન થશે. સિંચાઈ વિભાગમાં 20 ટકા વધારો થઈ શકે છે, જેમાં નર્મદા પ્રોજેક્ટ અને ‘સૌની’ યોજનાને પ્રાથમિકતા મળશે.
માર્ગ-મકાન, શહેરી વિકાસ, ઊર્જા અને ઉદ્યોગ ક્ષેત્રે પણ મોટા પ્રોજેક્ટની જાહેરાત થવાની શક્યતા છે. ખાસ કરીને ધોલેરા SIR ખાતે સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી માટે વિશેષ ફાળવણી થઈ શકે છે.
આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસ અને વૈશ્વિક રોકાણ આકર્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.